વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલેએ ટવિટર પર ભારતના ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા સાથેનો ફોટો ટવિટર પર શેર કરતા તે ખાસ્સો એવો ટ્રોલ થયો હતો.
ગેલેએ ટવિટર લખ્યું કે ગ્રેટ કેચ અપ વિથ બિગ બોસ. ધ યુનિવર્સ બોસ. આ ફોટો લંડનના સિલ્વર સ્ટોલ સર્કીટ ખાતે બ્રિટીશ ગ્રાન્ડ પિક્સ-2019ના અનુસંધાને પાડવામાં આવ્યો હતો.
આઇપીએલની ફ્રેન્ચાઇઝ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વતી લાંબા સમય સુધી ગેલે રમત રમી હતી અને આક્રમક બેટીંગથી લોકચાહના મેળવી હતી. આ ટીમના માલિક વિજય માલ્યા હતા. ગેલ બાદ માલ્યાએ પણ આ ફોટો શેર કર્યો હતો. માલ્યાએ લખ્યું કે મારા પ્રિય મિત્ર બિગ બોસ ક્રિસ ગેલ સાથે ફોર્મ્યુલા વન ક્વોલિફાઇંગ માટે સિલ્વરસ્ટોન ખાતે સાથે રહેવાની ઘણું સારું રહ્યું હતું.
ક્રિસ ગેલ દ્વારા ફોટો શેર કરવામાં આવ્યો કે તરત જ ટવિટર પર તે ટ્રોલ થયો હતો અને ગેલને વિજય માલ્યાનો ઈતિહાસ ખોલીને બતાવવામાં આવ્યો હતો.
ટવિટર પર એક જણાએ લખ્યું કે માલ્યાને ભારતમાં કૂરિયર કરી દેવામાં આવે. માલ્યા ખૂબ દેશભક્ત છે અને તે માત્ર ભારતીયોના રૂપિયાની જ ચોરી કરે છે. માલ્યાએ પણ આ બધી ટીપ્પણીઓનો ટવિટર હેન્ડલ પર જવાબ આપ્યો હતો.
માલ્યાએ જવાબ આપતા લખ્યું કે જે લોકો મને ચોર કહી રહ્યા છે તેમને કહેવા માંગુ છું કે પાછલા એક વર્ષથી બેન્કોને ઓફર કરી રહ્યો છું કે તમામ રૂપિયા લઈ લેવામાં આવે. આ જાણ્યા પછી જ નક્કી કરો કે ચોર કોણ છે. તમારી બેન્કોને પૂછો કે શા માટે મારી પાસેથી 100 ટકા રૂપિયા લેતા નથી. .
હાલ માલ્યા લંડનમાં પ્રત્યાપર્ણની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. નવ હજાર કરોડના લોન કૌભાંડમાં ડિફોલ્ટર જાહેર થયા બાદ માલ્યાએ 2 માર્ચ-2016માં ભારત છોડી દીધું હતું. માલ્યાએ કહ્યું છે કે બેન્કોના રૂપિયા આપવા તૈયાર છે. ભારતે 2017માં માલ્યાના પ્રત્યાપર્ણની અરજી કરી છે. હાલ માલ્યા જામીન પર છે.