અમદાવાદના કાંકરીયામાં રાઈડ તૂટી, ત્રણનાં મોત, 26ને ઈજા, ભારે હોબાળો

સમગ્ર ગુજરાતના પ્રખ્યાત અને અમદાવાદ સ્થિત કાંકરીયા ગાર્ડનમાં ચિલ્ડ્રન પ્લે એરિયામાં આવેલી રાઈડ તૂટી પડવાના કારણે ત્રણ લોકોએ જાન ગુમાવ્યા છે જ્યારે 26 જેટલા લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કાંકરીયામાં ચિલ્ડ્રન પ્લે એરિયામાં 32 લોકોની ક્ષમતા ધરાવતી ડિસ્કવરી નામની રાઈડ અચાનક તૂટી પડી હતી. રાઈડ તૂટી જવાના લીધે પાર્કમાં ભારે અફરા તફરી અને અરાજક્તા સર્જાઈ જવા પામી હતી. લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

રવિવારનો રજાનો દિવસ હતો અને કાંકરીયામાં ભારે ગીર્દી જામી હતી. આ ઉપરાંત ગૌરી વ્રત અને પાર્વતી વ્રત સાથે હોવાથી લોકો બાળકો સાથે કાંકરીયામાં આવ્યા હતા. આ દરમિયાનમાં રાઈડની મજા લૂંટી રહેલા લોકોની બૂમાબૂમ સંભળાઈ હતી. લોકો ઘસી ગયા તો જોયું કે રાઈડ તૂટી પડી છે, અને લોકો બચાવોની બૂમો પાડી રહ્યા છે.

ઘટના સ્થળે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. AMCએ ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ જાતે ઉપાડવાની જાહેરાત કરી હતી. ઈજાગ્રસ્તોને નજીકમાં આવેલી એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાના અનુસંધાને કાંકરિયા બાલ વાટિકાની તમામ રાઈડો બંધ કરી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. રાઈડ તૂટતા કાંકરિયામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા લોકોને ખસેડવામાં આવ્યા હતા. હાલ રાઈડ કઈ રીત તૂટી તે બહાર આવ્યું નથી પરંતુ પોલીસ આ અંગે માહિતી મેળવી રહી છે.