સુરતમાં ટ્રેનની અડફેટે ત્રણ યુવકો ચઢ્યા, બેનાં મોત, એક ગંભીર

સુરતના ઉધના રેલવે સ્ટેશન પાસે આજે સવારે દુર્ઘટના સર્જાઇ હતી. સુરત અને ઉધના રેલ્વે સ્ટેશન વચ્ચે ત્રણ યુવકો ટ્રેનની અડફેટે ચડ્યા હતા. જેમાં બેનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે એકને ગંભીર હાલતમાં 108 મારફતે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનથી અજમેર પુરી એક્સપ્રેસ ટ્રેનમાં રાજસ્થાનના 6 યુવકો વલસાડ જવા નીકળ્યા હતા. સુરત સુધીની ટ્રેન હોવાથી આજે સુરત ઉતરી વલસાડ જવા માટે અન્ય ટ્રેનમાં બેસી ગયા હતા. જો કે, તેમને ખબર નહોતી કે આ ટ્રેન સુપર ફાસ્ટ હોવાથી તે વલસાડ સ્ટેશન પર ઉભી નહીં રહે. જેથી તેઓ સુરત-ઉધના રેલ્વે સ્ટેશન પર ઉતરી ગયા હતા.

રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે 6 પૈકી 3 યુવાનો ટ્રેનની અડફેટે ચડ્યા હતા. જેમાં કુલદિપ ફુલસિંગ(ઉ.વ.18)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ત્યારબાદ યુવાનો દ્વારા અન્ય લોકોની મદદથી ટ્રેનની અડફેટે આવેલા ત્રણેયને ઉંચકીને ઉધના રેલવે સ્ટેશન લઈ ગયા હતા. જ્યાંથી બે યુવકો પ્રવિણ ધીરસિંગ(ઉ.વ.19) અને પ્રવિણ નારાયણસિંગ(ઉ.વ.18)ને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં પ્રવિણ ધીરસિંગનું મોત નીપજ્યું હતું.