ભલે ગુજરાતના 6 મુખ્યમંત્રી બદલાઈ ગયા હોય પણ સરકારે ખંભાતના અખાતમાં મહત્વકાંક્ષી યોજના માટે હજુ સુધી કાર્યવાહી કરી નથી. ગુજરાતના બજેટમાં નાણામંત્રી નીતિન પટેલ હજીરા-સુરત-ઓલપાડ અને હાંસોટને જોડતા સિક્સ લેન બ્રિજ માટે 130 કરોડ રૂપિયા ફાળવ્યા જરૂર છે પણ ખરેખર તો આ યોજના આજે 10 વર્ષના વહાણા વીતી ગયા પણ યોજના ઠેરની ઠેર જ છે. ભાડભૂત યોજના અંતર્ગત નર્મદા નદી પર બ્રિજ બાંધવાની યોજના ચાલી રહી છે. પણ મહત્વની વાત એ છે કે વિધાનસભાની બે ચૂંટણી પતી ગઈ અને સરકારો રચાઈ પરંતુ યોજના પરની ધૂળ ખંખેરાઈ નથી. સુરત અને ભાવનગરને ક્લાકોમાં જોડી દેતા બ્રિજના આજદિન સુધી કોઈ ઠેકાણા જણાઈ આવી રહ્યા નથી.
પાછલા પાંચ વર્ષમાં સરકારે અભ્યાસ અને વિવિધ રિપોર્ટ પાછળ 100 કરોડનો ખર્ચ કરી નાંખ્યો છે. આ યોજના ખંભાતને બે કિનારાને જોડે છે અને 30 કિમીમાં ફેલાયેલું સરોવરનું મીઠું પાણી ખેડુતો અને લોકો માટે આશિર્વાદરૂપ બની શકે છે. આ ઉપરાંત દ.ગુજરાત અને સૌરાષ્ટ્રને એકદમ નજીક લાવવાનું પણ કામ કરી શકે છે.
ગુજરાતાં પૂર્વ કોંગ્રેસની સરકારોમાં બંધ કરાયેલી કલ્પસર યોજનાની ફાઈલ ભાજપ સરકારના તે વખતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 1995 અને 1999માં ઓપન કરી હતી. ત્યાર બાદ મોદી સરકારે 2002માં આ યોજનાને સૈદ્વાંતિક મંજુરી આપી હતી અને 2011માં કલ્પસરની જાહેરાત કરવામાં આવી હતી.
1999માં કલ્પસરની પાછળ અંદાજે 25 હજાર કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ હતો જે અંદાજ હવે વધીને 90 હજાર કરોડ પર પહોંચી ગયો છે. સરકારનો દાવો છે કે ચીન અને દક્ષિણ કોરીયાની કંપનીઓએ આ યોજનામાં રસ દર્શાવ્યો છે.
યોજનાનાં ફાયદા
- કલ્પસર યોજનાથી સૌરાષ્ટ્રની 10 લાખ હેકટર જમીનને સિંચાઈનું પાણી મળશે.
- ભાવનગર અને સુરત વચ્ચેનું અંતર માત્ર 136 કિ.મી થઈ જશે.
- પવન અને ઉર્જા પાર્ક બનાવી શકાય છે.
- સૌરાષ્ટ્રના લોકોને પુરતું પીવાનું પાણી મળી રહેશે.
- સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કિનારા વિસ્તારનું ખારું પાણી મીઠું થઈ જશે.
કલ્પસર યોજના 46 વર્ષ બાદ
- 1969- ગુજરાત સરકારે દરિયામાં જતા પાણીને અટકાવવા માટે કામ શરૂ કર્યું
- 1975- સંયૂક્ત રાષ્ટ્ર મિશનના પ્રોફેસર એરિક વિલ્સને ટાઈટલ પાવર માટે કેન્દ્રીય વિદ્યુત બોર્ડનો રિપોર્ટ સબમીટ કર્યો.
- 1980- ડો.અનિલ કાણેએ(આ યોજનાના પ્રેરણાસ્ત્રોત અને તેમણે જ કલ્પસર નામ આપ્યું) પ્રોજેક્ટનો અભ્યાસ કર્યો.
- 1988- રિકોનિસન્સ રિપોર્ટ તૈયાર કરાયો. આ રિપોર્ટમાં કહેવાયું કે ટેક્નિકલી નદીના પાણીને રોકી બંધ બનાવી શકાય છે.
- 1999- કલ્પસર યોજનાને સરકારે મંજુરી આપી અને 6 જેટલા વિવિધ અભ્યાસ શરૂ કરાયા.
- 2002- સરકારે જાહેરાત કરી કે યોજનાનું કામ 2011માં શરૂ થશે.
- 2012- કલ્પસરને શરૂ કરવાની ફરી જાહેરાત
- 2015- યોજના માટે સરકારની તમામ પ્રકારની મંજુરી આપવાનો વાયદો કરાયો
- 2018- સરકારે ભાડભૂત યોજનાનું કામ શરૂ કર્યું. આ યોજના કલ્પસર સાથે જોડાયેલી છે. પણ આમાં જોઈએ તેટલી પ્રગતિ જણાતી નથી. ભાડભૂત માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા.
- 2019- ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં નાણામંત્રી નીતિન પટેલે સુરત-હાંસોટ 6 લેન બ્રિજ માટે 130 કરોડ ફાળવ્યા.