ફાઈનલી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા 15મીએ ભાજપમાં જોડાશે, કમલમ ખાતે થશે શક્તિ પ્રદર્શન

ભારે વિવાદ અને ચડસાચડસી તથા અટકળોનો અંત આણી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપમાં જોડાવાના સમયે કમલમ ખાતે મોટી સંખ્યામાં ઠાકોર સેનાના કાર્યકરોને હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાધનપુર વિધાનસભામાંથી કોંગ્રેસની ટીકીટ પર લડેલા ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે 2019ની લોકસભાની ચૂંટણી સુધીમાં કોંગ્રેસને છોડી દીધી હતી. કોંગ્રેસમાં અવગણના અને અપમાન થતું હોવાની ફરીયાદ સાથે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામા આપી દીધા હતા અને ત્યાર બાદ 2019ના જુલાઈ મહિનામાં આવેલી ગુજરાત રાજ્યસભાની બે સીટની પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી પણ રાજીનામા આપી દીધા હતા.

પાછલા કેટલાય સમયથી અલ્પેશ ઠાકોરની ભાજપનાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. હવે આ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોય એમ લાગે છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સોશિયલ મીડિયાનું હેન્ડલીંગ કરતા ભરતજી ઠાકોરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે. આ પોસ્ટમાં ભરતજી ઠાકોરે જણાવ્યું છે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા 15મી જૂલાઈએ બપોરે બે વાગ્યે ગાંધીનગર-કોબા ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાવાની જાહેરાત કરશે. આ સમયે ઠાકોર સેનાના કાર્યકરો અને હોદ્દેદારોને મોટી સંખ્યામાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.