રાજકોટની પોલીસ લવ મિસ્ટ્રી : ASI ખુશ્બુ અને ડી સ્ટાફના પોલીસમેન રવિરાજસિંહના શરીરમાં ગોળી, હત્યા-આત્મહત્યા? રહસ્ય અકબંધ

રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ મથકના ASI ખુશ્બુ કાનાબાર અને આજ  જ પોલીસ સ્ટેશનના પરિણીત ડી-સ્ટાફના પોલીસમેન રવિરાજસિંહ  જાડેજાના માથામાં ગોળી મારેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા.આ ઘટનાના 24 કલાક વીતી ગયા બાદ પણ તપાસ અધિકારીઓ કહી શક્યા નથી કે આ પ્રકરણ હત્યા છે કે આત્મહત્યા છે. સમગ્ર પ્રકરણ પર રહસ્યના વાદળો વિખેરાયેલા જોવા મળી રહ્યા છે.

રાજકોટના નવા દોઢસો ફૂટના રીંગ રોડ પરના કટારિયા શો રૂમ પાસે આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાયના નામે ઓળખાતા આવાસ યોજનાના કવાર્ટર પૈકીના બ્લોક નં. ઇ-402માં’ મહિલા ASI ખુશ્બુ કાનાબાર અને પોલીસમેન રવિરાજસિંહ જાડેજાની લોહી નીગળતી હાલતમાં લાશ હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. ચોથામાળના ફલેટનો દરવાજો અંદરથી બંધ હતો તે દરવાજો તોડાવીને અંદર જતાં રૂમમાં યુનિવર્સિટી પોલીસ મથકમાં ASI તરીકે નોકરી કરતી મૂળ જામજોઘપુરની વતની ખુશ્બુ રાજેશભાઇ કાનાબાર અને એ’ જ પોલીસ મથકમાં ડી સ્ટાફમાં પોલીસમેન તરીકે ફરજ બજાવતાં રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાની લાશ મળી આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુશ્બુ અને રવિરાજસિંહ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સબંધ હતો. આવાસ યોજનાના ફલેટમાં ખુશ્બુ એકલી રહેતી હતી. ત્યાં બન્ને અવારનવાર મળતા હતાં. મવડી પોલીસ હેડ કવાર્ટરમાં પરિવાર સાથે રહેતાં પોલીસપુત્ર રવિરાજસિંહ જાડેજા પરિણીત હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે.

બુધવારની રાત્રીએ પોલીસ સ્ટેશન જવાનું કહીને ગયેલા રવિરાજસિંહન પત્નીએ પતિને ફોન કર્યો હતો પણ કોઈ જવાબ મળ્યો ન હતો. આથી રવિની પત્નીએ પોતાના ભાઈને ફોન કરી બનેવીની ભાળ લેવાનું જણાવ્યું હતું. રવિના સાળાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તપાસ કરી હતી ત્યાં બનેવી હતા નહીં અને પોલીસ સ્ટેશનેથી પરત ફરતી વેળા પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાના ક્વાર્ટર પાસે રવિની કાર જોવા મળતા તેણે ત્યાં તપાસ કરી. બિલ્ડીંગમાં તપાસ કરતા રવિ ASI ખૂશ્બુના રૂમમાં હોવાનું માલૂમ પડ્યું હતું. રૂમ પર પહોંચી બેલ વગાડવા છતાં કોઈ જવાબ ન મળતા ગેલેરીમાંથી જોયું તો બન્નેની લાશ લોહીમાં લથબથ જોવા મળી હતી. સાળાએ પોલીસને જાણ કરી હતી.

પોલીસની તપાસમાં મહિલા ASI ખુશ્બુ કાનાબારના માથા પાછળ ઓશીકું રાખીને ગોળી મારવામાં આવ્યાનું અને પોલીસમેન રવિરાજસિંહના લમણે ગોળી મારવામાં આવ્યાનું જણાયું હતું. તેના પરથી ખુશ્બુની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળીમારીને હત્યા કર્યા બાદ રવિરાજસિંહે લમણે રિવોલ્વર રાખીને ભડાકો કરીને આપઘાત કરી લીધાનું અનુમાન કરવામાં આવ્યું હતું.

આ મામલે તાલુકા પોલીસ મથકના પી.આઈ વી.એસ.વણઝારાએ જણાવ્યું હતું કે, પોલીસે હાલ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધાયો છે.પરંતુ ગોળી કોણે મારી તેમજ હત્યા કોણે કરી અને આપઘાત કોણે કર્યો તે સ્પષ્ટ થઈ શક્યું નથી.પોલીસ દ્વારા આ આવાસમાં લગાવવાવમાં આવેલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે.એફ.એસ.એલ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. હાલ તો ખૂશ્બુના પરિવારજનોએ હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ સાથે તપાસ કરવાની માંગ કરી છે.