રેલવેને ટીકીટોના વેચાણની સાથો સાથ કેન્સલ ટીકીટથી તગડી કમાણી થઈ છે. આરટીઆઈ એક્ટ હેઠળ માલૂમ પડ્યું છે તે ગયા નાણાકીય વર્ષ 2018-19માં કેન્સલ ટીકીટના કારણે મુસાફરો પાસેથી વસૂલ કરવામાં આવેલા રૂપિયાથી રેલવેની તિજોરી છલકાઈ ગઈ છે. રેલવેની તિજોરીમાં 1,536 કરોડ રૂપિયા સીધે સીધા આવી ગયા છે.
મધ્યપ્રદેશના નીમચ રહીશ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌડે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે રેલ મંત્રાલયે પાસેથી આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જેમાં આ માહિતી મળી છે.
આરટીઆઈ દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં રેલવેએ રિઝર્વ ટીકીટ કેન્સલ કરીને 1,518,62 કરોડ તિજોરીમાં જમા કરાવ્યા છે. જ્યારે અનરિઝર્વ ટીકીટીંગ સિસ્ટમ(UTS) હેઠળ કેન્સલ કરાયેલી ટીકીટ થકી 18.23 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટ ચંદ્રશેખરે પોતાની અરજીમાં એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે કેન્સલ ટીકીટના ચાર્જમાં ઘટાડો કરવાની વિચારણા કરવામાં આવી રહી છે કે નહીં. તો આ અંગે રેલવેએ કોઈ જવાબ આપ્યો ન હતો. ગૌડની માંગ છે કે કેન્સલ ચાર્જમાં ઘટાડો કરવાની જરૂર છે.