રાહુલ ગાંધીએ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ હવે એમ લાગે છે કે કોંગ્રેસ ટૂંક સમયમાં નવા પ્રમુખની પસંદગી કરી શકે છે. કોંગ્રેસ કારોબારીની મીટીંગ આગામી સપ્તાહે મળી રહી છે. કારોબારી બેઠક માટે તારીખની જાહેરાત કરવામાં આવશે.
લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ પ્રમુખ પદ છોડી દીધું હતું, હાલ કોંગ્રેસમાં નેતૃત્વને લઈ શૂન્યવકાશ સર્જાયો છે. નેતૃત્વ સંકટની વચ્ચે કોંગ્રેસ જૂના જોગીઓએ યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીને હંગામી ધોરણે પ્રમુખ બનવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પણ સોનિયા ગાંધીએ એવું કહીને પ્રસ્તાવ ફગાવી દીધો હતો કે જે પદ પરથી રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હોય તે પદને તેઓ ફરીથી સ્વીકારી શકે એમ નથી. સોનિયા ગાંધીએ પોતાની નાદુરસ્ત તબિયતના કારણે કોંગ્રેસ પ્રમુખ પદ છોડ્યું હતું અને રાહુલ ગાંધી પ્રમુખ બન્યા હતા. હંગામી પ્રમુખ બનાવાના પ્રસ્તાવને પણ નાદુરસ્ત તબિયતનું કારણ આપી સ્વીકારવાનો સોનિયા ગાંધીએ ઈન્કાર કરી દીધો છે.
કાર્યકારી પ્રમુખ માટે અનેક નામો ચર્ચામાં આવ્યા છે. મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, જ્યોતિરાદિત્ય સિંધીયા, સુશીલ કુમાર શિંદે, અશોક ગેહલોત વગેરેના નામો ચર્ચામાં છે. જોકે, સિંધીયાએ કહ્યું છે કે તેઓ પ્રમુખ પદની રેસમાં નથી. કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે કે મુકુલ વાસનિક કોંગ્રેસ પ્રમુખની રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે. વાસનિક 59 વર્ષના છે અને દલિત નેતા છે.
અંગ્રેજી ન્યૂઝ પેપરના રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસને દલિત નેતાની શોધ છે અને મુકુલ વાસનિક આમાં ફીટ બેસે છે. વાસનિકને રાહુલ ગાંધીનું સમર્થન હોવાનું પણ માનવામાં આવે છે. કોંગ્રેસ કારોબારીના સભ્યોએ પ્રમુખ પદ માટે ચાર નામની પેનલ બનાવવાનું સૂચન પણ કર્યું છે.
આ ઉપરાત કોંગ્રેસના દિગ્ગજ વેતા કરણસિંહ, અમરિંદરસિંહ અને જનાર્દન દ્વિવેદીએ યુવા નેતાને કોંગ્રેસની કમાન સોંપવાના નિવેદન આપ્યા છે. આ સ્થિતિમાં મલ્લિકાર્જુન ખડગે, સુશીલ કુમાર શિંદે અને અશોક ગેહલોતની સરખામણીમાં મુકુલ વાસનિક મજબૂત નામ તરીકે ઉભરી રહ્યા છે.