રેશ્મા પટેલનું પ્રોટેક્શન પાછું ખેંચી લેવાતા વિવાદ, ઉચ્ચ સ્તરે કરાશે રજૂઆત

જૂનાગઢ મહાનગર પાલિકાની સામી ચૂંટણીએ NCPના પ્રદેશ મંત્રી અને જૂનાગઢના પ્રભારી રેશ્મા પટેલની સિક્યોરીટી પાછી ખેંચી લેવામાં આવતા ભારે વિવાદ ઉભો થયો છે. રેશ્મા પટેલના પાછલા બે વર્ષથી સુરક્ષા આપવામાં આવી હતી. રેશ્મા પટેલના જાનને જોખમ હોવાના કારણે ગુજરાત સરકારે સિક્યોરીટી પ્રોવાઈડ કરી હતી.

સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવતા રેશ્મા પટેલે જણાવ્યું કે સરકારે ગઇ કાલે મને આપેલું કાયમી પ્રોટેકશન હટાવ્યુ છે. અચાનક મને ફાળવેલા કમાન્ડો જતા રહ્યા હતા. આ વાત પરથી સાબિત થાય છે કે ભાજપના ગુંડાઓ મારી સાથે કંઇ પણ કરી શકે છે. મારો જીવ પણ લઇ શકે એવી મને ગંધ આવે છે. કારણકે 2 દિવસ પહેલાં જ જૂનાગઢ મહાનગર પાલિકાની ચુંટણીમાં NCP ના ઉમેદવારોના ફોર્મ પાછાં ખેંચવા માટે મને અને અમારા મહિલા ઉમેદવારોને ભાજપના ઉમેદવારો દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી અને મે એ લોકો વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ સ્ટેશન જૂનાગઢમાં અરજી પણ આપી છે.

રેશ્મા પટેલે જણાવ્યું છે કે ધમકીઓ મને વારંવાર મળી છે. જ્યારે જૂનાગઢ મનપાની ચુંટણી પ્રભારીની જવાબદારીનું કામ કરી રહી છું અને ભાજપની ગુંડાગર્દી, હિટલરશાહી સામે લડું છું ત્યારે અચાનક મારું કાયમી પ્રોટેકશન પાછુ ખેંચ્યું એ મારા વિરુધ્ધ ષડયંત્રનો ભાગ જ હોય શકે છે.

તેમણે કહ્યું કે ઇતિહાસ બોલે છે કે ઘણા લોકોના અવાજ દબાવવા કાસળ કાઢી નાખ્યા છે. આ લિસ્ટમાં મારા નામનો પણ સમાવેશ થાય તો નવાઇ નહીં અને મને મોતની બીક નથી પણ હું સંઘર્ષોથી ઉભરેલી અને હિંમતવાન મહિલા છું, એટલા માટે ખુલીને ગુંડાગર્દી અને ભાજપના નેતાઓની તાનાશાહી સામે અવાજ ઉઠાવું છું. મને કઇ પણ થશે કે મારા સાથે અઘટિત ઘટનાથી મારું મૃત્યુ થશે તો જવાબદાર માત્રને માત્ર સરકારની રહેશે. આ અંગે ગુજરાત મહિલા આયોગ, રાષ્ટ્રીય મહિલા આયોગ, ગુજરાત પોલીસ વડા અને ગૃહમંત્રી ગુજરાતને રજૂઆત કરવામાં આવશે.