ભાજપના ધારાસભ્યની દિકરીએ કર્યા દલિત યુવાન સાથે લગ્ન, વીડિયો વાયરલ કરી કહ્યું “જાનને છે ખતરો”

ભાજપના ધારાસભ્યની દિકરીએ પોલીસ સમક્ષ રાવ નાંખી કહ્યું કે મને અને મારા પતિને પિતાથી જાનનો ખતરો છે. જેથી કરીને સુરક્ષા આપવામા આવે.

યુપીના બરેલી જિલ્લાના બિથરી ચૈનપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતૌલની દિકરી સાક્ષીએ દલિત યુવક અજિતેશ કુમાર સાથે હિવ્દુ વૈદિક વિધિથી લગ્ન કરી લીધા છે. સાક્ષીએ આ અંગેનો વીડિયો વાયરલ કર્યો છે. ત્યાર બાદ વધુ એક વીડિયો બહાર પાડી સાક્ષીએ બરેલીના પોલીસ અધિકારીને ફરીયાદ સ્વરૂપે કહ્યું છે કે તેના પિતા અને ધારાસભ્ય રાજેશ મિશ્રા, ભાઈ વિક્કી અને પિતાના સાથીઓથી પતિ-પત્નીના જાનને ખતરો છે. આવી સ્થિતિમાં તેને અને તેના પતિને સુરક્ષા આપવામાં આવે.

ધારાસભ્યની દિકરીએ આરોપ મૂક્યો છે કે બધા લોકો મળીને હત્યા કરવા ચાહે છે. સાક્ષીએ બરેલીના સાંસદ અને મંત્રીઓને અપીલ કરી છે કે મારા ભાઈ, પિતા અને તેમના સાથીઓને મદદ ન કરે. બરેલીના ડીઆઈજી આર.કે.પંડ્યાએ આ અંગે જણાવ્યું કે સાક્ષી મિશ્રાએ દલિત યુવક અજિતેશ કુમાર સાથે લગ્ન કર્યા તેની જાણકારી સોશિયલ મીડિયાના વીડિયોના માધ્યમથી મળી છે. પોલીસે મામલાને ધ્યાને લીધો છે પણ સાક્ષીને ક્યાં અને કેવી રીતે સુરક્ષા આપવામાં આવે તે અંગે સાક્ષીએ વીડિયોમાં કશું જણાવ્યું નથી.

ડીઆઈજી પાંડેએ કહ્યું કે દંપતિએ હજુ સુધી જણાવ્યું નથી કે તેઓ હાલ ક્યાં છે. તેમની સુરક્ષા માટે પોલીસને ક્યાં મોકલવામાં આવે. સાક્ષીએ કહ્યું છે કે અમે બન્નેને ચેનથી રહેવા દેવામાં આવે અને તમે રાજનીતિ કરો. સાક્ષીએ ધમકી આપી છે કે મારી અને મારા પતિની હત્યા કરી દેવામાં આવશે તો બધાને પણ ફસાવી દઈશ.