મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે 10-જનપથ પર મુલાકાત કરી હતી. રાજ ઠાકરેએ ઈવીએમના મુદ્દે સોનિયા ગાંધી સાથે ચર્ચા કરી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠક દરમિયાન મહારાષ્ટ્રમાં આવનારી ચૂંટણીમાં બન્ને નેતાઓએ મંત્રણા કરી હતી. બન્ને નેતા વચ્ચે અંદાજે 40 મીનીટ સુધી ચર્ચા થઈ. ઈવીએમના મુદ્દે વિપક્ષી પાર્ટીઓ દ્વારા વારે-છાશવારે સવાલો ઉભા કરવામાં આવે છે.
આ પહેલાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ચૂંટણી પંચને પત્ર લખી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઈવીએમના બદલે બેલેટ પેપર દ્વારા કરવાની માંગ કરી હતી. રાજ ઠાકરે પત્રમાં લખ્યું છે કે ઈવીએમને લઈ અનેક સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. આવામાં ચૂંટણી પ્રણાલિમાં ફરીથી વિશ્વાસ કાયમ થાય તેના માટે ઈવીએમની જગ્યાએ બેલેટ પેપર થકી ચૂંટણી યોજવામાં આવે.
મહારાષ્ટ્રમાં થનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ બન્ને નેતાઓની બેઠકને મહત્વ આપવામાં આવી રહ્યું છે. રાજ ઠાકરે પીએમ મોદી પર ટીકાઓનો વરસાદ વરસાવી રહ્યા છે અને કેટલીક જગ્યાએ રાહુલ ગાંધીની પ્રશંસા પણ કરી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર પણ કર્યો હતો.
રાજ ઠાકરેએ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની હિમાયત પણ કરી હતી. રાજ ઠાકરેએ કહ્યું હતું કે પીએમ મોદી બીજા એડોલ્ફ હીટલર છે. હું મોદી મૂક્ત ભારતની કામના કરું છું.
રાજ ઠાકરેની મુલાકાત બાદ અટકળો ચાલી રહી છે કે શું મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-મનસે સાથે ચૂંટણી લડશે. જોકે, આ અંગે કશું કહેવું હાલ ઉતાવળીયું લેખાશે.