કેચમેન્ટ એરિયામાં વરસાદ થતાં નર્મદા ડેમની સપાટી 121.02 મીટરે પહોંચી

કેચમેન્ટ એરિયામાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. નર્મદા ડેમની સપાટી 121 મીટરને પાર થઇ ગઇ છે. નર્મદા ડેમની સપાટી હાલ 121.02 મીટર ઉપર પહોંચી ગઇ છે. નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 12 કલાકમાં 23 સે.મી. સપાટીમાં વધારો થયો છે. 

અગાઉ નર્મદા ડેમની મહત્તમ સપાટી 121.92 હતી. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી બાદ નર્મદા ડેમની ઊંચાઇને વધારીને 138.68 મીટર કરવામાં આવી હતી. જોકે અગાઉની ડેમની ઊંચાઇથી ડેમની સપાટી એકદમ નજીક આવી ચૂકી છે. ડેમની ઊંચાઇ વધવાને કારણે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા ખુબ જ ઓછી છે. 

નર્મદા ડેમમાં 1300 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો ઉપલબ્ધ છે. જેને પગલે ગુજરાતના ખેડૂતો માટે નર્મદાની મેઇન કેનલમાં 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.