કર્ણાટક ક્રાઈસીસ: કોંગ્રેસના 21 મંત્રીઓના રાજીનામા બાદ જનતાદળ-એસના મંત્રીઓએ આપ્યા રાજીનામા

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર સંકટમાં મૂકાઈ જવા પામી છે. કોંગ્રેસના 21 મંત્રીઓએ મંત્રી પદ છોડ્યા બાદ સ્થિતિ પ્રવાહીશીલ બની ગઈ છે. બીજી તરફ જેડીએસના પણ તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્વારમૈયાએ પત્રકારોને જણાવ્યું કે કર્ણાટકના 21 મંત્રીઓએ સ્વેચ્છાએ રાજીનામા આપ્યા છે. આ પહેલા કર્ણાટટકના મંત્રી અને અપક્ષ ધારાસભ્ય એચ.નાગેશે કુમારસ્વામી સરકારને આપેલો ટેકો પાછો ખેંચી રાજીનામું આપી દીધું છે. એચ.નાગેશે રાજભવનમાં જઈ રાજ્યપાલ વજુભાઈ વાળાને રાજીનામું આપી દીધું હતું અને ખાસ પ્લેન મારફત મુંબઈમાં બળવાખોર ધારાસભ્યોની સાથે પહોંચી ગયા હતા.

એઆઈસીસીના મહાસચિવ સી.વેણુગોપાલે કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસના મંત્રીઓએ સ્વેચ્છાએ રાજીનામા આપ્યા છે. મંત્રી મંડળમાં ફેરબદલનો નિર્ણય પાર્ટી પર છોડી દેવામાં આવ્યો છે.

રાજીનામાની વણઝારમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. કારણ કે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપવાની ધમકી આપી છે.

કર્ણાટક સંકટ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ આરોપ મૂક્યો હતો કે ભાજપ શિકારી પાર્ટી છે. લોકસભામાં કોંગ્રેસના નેતા ચૌધરીએ સંસદ ભવન પરિસરમાં પત્રકારોને કહ્યું કે સંસદમાં કર્ણાટકનો મુદ્દો ઉઠાવવામાં આવશે.

કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે કર્ણાટકમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેમાં અમારી પાર્ટીનો કોઈ હાથ નથી. અમારી પાર્ટી ખરીદ-વેચાણમાં સામેલ નથી. ભાજપ સંસદીય લોકતંત્રની ગરીમાને જાળવી રાખવા કટિબદ્વ છે.

તેમણે કહ્યું કે રાજીનામા આપવાનો સિલસિલો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ ભાજપ દ્વારા શરૂ કરાયો નથી. રાહુલ ગાંધીએ જાતે લોકોને રાજીનામા આપવાનું કહેવાયું હતું. હવે કોંગ્રેસના નેતાઓ રાજીનામા આપી રહ્યા છે.

મુખ્યમંત્રી કુમારસ્વામી રવિવારે રાત્રે અમેરિકાથી બેંગ્લુરુ પહોંચ્યા હતા અને પાર્ટીના પ્રમુખ, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા સાથે ચર્ચા કરી હતી. ત્યાર બાદ આજે બપોરે જેડીએસના તમામ મંત્રીઓ પણ રાજીનામા ધરી દીધા છે.

કુમારસ્વામીએ કહ્યું કે જે ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેમને મનાવી લેવામાં આવશે.

કર્ણાટક વિધાનસભામાં કુલ 224 સીટ છે અને બહુમતિ માટે 113 સીટની જરૂરિયાત છે. કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામા બાદ આ સંખ્યા 210 પર આવી ગઈ છે. આ સ્થિતિમાં ભાજપ માટે સરકાર બનાવવાનો રસ્તો સાફ જણાઈ આવી રહ્યો છે. ભાજપ ગમે ત્યારે સરકાર બનાવી શકે છે.

બીજી તરફ એચ.ડી.દેવગૌડાએ યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી સાથે વાતચીત કરી હતી અને મલ્લિકાર્જુન ખડગેને મુખ્યમંત્રી બનાવાની ઓફર કરી હતી. જ્યારે આ બાજુ સિદ્વારમૈયા પોતે મુખ્યમંત્રી બનવા માટેનો દાવો કરી રહ્યા છે.