હેકરોએ યુઝરોના ઉડાવી લીધા કરોડો રૂપિયા, બંધ કરાઈ એપ

મોબાઇલ એપ દ્વારા જાપાનમાં હેકરોએ યૂઝરોના પાંચ લાખ ડોલર (રૂ. 3.42 કરોડ) ઉડાવી લીધા છે. 7 ઇલેવન Pay નામની એપ્લિકેશનમાં તાજેતરમાં જ નવું પેમેન્ટ ફીચર રજૂ કરવામાં આવ્યું હતું. જે બાદમાં હેકર્સે યૂઝર્સના ખાતાઓને સાફ કરી દીધા હતા. 

એવી ઘટના બાદ જાપાનમાં 7 ઇલેવન Pay એપના પેમેન્ટ ફીચરને બંધ કરી દીધું છે. આના માધ્યમથી સેંકડો ગ્રાહકોના એકાઉન્ટમાંથી બોગસ લેવડ દેવડ બતાવીને લાખો ડોલરનો ચૂનો લગાવવામાં આવ્યો હતો. 7 Pay એપમાં પ્રથમ જુલાઈના રોજ નવું પેમેન્ટ ફીચર આવ્યું હતું, જે ત્રીજી જુલાઈના રોજ બંધ કરી દેવું પડ્યું હતું. એટલે કે ફક્ત ત્રણ દિવસમાં જ હેકર્સે પૈસા ઉડાવી દીધા હતા. 

કંપની તરફથી આપવામાં આવેલા નવા ફીચરમાં ગ્રાહકોએ ફક્ત બારકોડ સ્કેન કરવાનો હોય છે, જે બાદમાં તેઓ લિંક કરેલા ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી શકે છે. ફીચર લોંચ થયાના બીજા જ દિવસે કંપનીને એક ફરિયાદ મળી હતી, જેમાં ગ્રાહકે કહ્યું કે બારકોડ સ્કેન કર્યા વગર જ તેના ખાતામાંથી પૈસા કપાયા છે. 

યાહૂ જાપાનના જણાવ્યા પ્રમાણે, એપમાં એક ખામી (બગ) હતી, જેનાથી હેકરો કોઈ પણ યૂઝરની જન્મ તારીખ, ઇમેઇલ આઈડી અને ફોન નંબર જાણવા પર કોઈ અન્ય મેઇલ આઈડી પર પાસવર્ડ બદલવાની સ્ક્રિપ્ટ મોકલી શકતી હતી. 

આથી હેકર્સ માટે એકાઉન્ટ હેક કરવા સરળ થઈ ગયા હતા. હેકરોએ એક-એક યૂઝરને ટાર્ગેટ ન કરતા એકસાથે વધારે યૂઝરો પર એટેક કર્યો હતો. હેકરોએ આશરે 900 યૂઝરને એકસાથે ટાર્ગેટ કર્યા હતા અને તેમના ખાતાઓમાંથી પાંચ લાખ ડોલરની રકમ ચોરી કરી લીધી હતી. 7 ઇલેવન Payના જણાવ્યા પ્રમાણે તેમના તરફથી નવા ફીચરને બંધ કરી દેવામાં આવ્યું છે, હવે એપ સાથે જોડાયેલા કોઈ પણ કાર્ડથી પેમેન્ટ કરી શકાશે નહીં. સાથે જ કંપનીએ જાહેરાત કરી છે કે હેકરોએ ગ્રાહકોને જે આર્થિક નુસાન પહોંચાડ્યું છે તેની ચુકવણી કંપની તરફથી કરવામાં આવશે. 

જાપાનના સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે ટોક્યો પોલીસે બે ચીની લોકોની ધરપકડ કરી છે. તેમની ઉંમર 20થી 30 વર્ષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બંને લોકોએ 7 ઇલેવન Pay એપ પર કોઈ બીજાનું એકાઉન્ટ ઉપયોગ કરીને સિગારેટ ખરીદી હતી. જોકે, હાલ એવી માહિતી નથી મળી કે હેકિંગમાં પણ આ બંને લોકોનો હાથ છે.