પંજાબના ગુરુદાસપુરમાંથી ભાજપના સાંસદ અને બોલિવૂડના અભિનેતા સની દેઓલે લોકસભાની ચૂંટણીમાં 70 લાખની મર્યાદા કરતાં વધુ ખર્ચા કર્યો હોવાના પુરાવા ચૂંટણી પંચને મળ્યા હોવાનો દાવો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારીએ કેન્દ્રીય ચૂંટણી પંચને આ અંગેના તમામ દસ્તાવેજો મોકલી આપ્યા છે. આનાથી સની દેઓલની મુશ્કેલીઓ વધી શકે છે. ચૂંટણી પંચ હવે સની દેઓલ પાસેથી ખર્ચ અંગેનો રિપોર્ટ માંગશે. જોકે, સની દેઓલ ઈચ્છે તો આ રિપોર્ટને પડકારી શકે છે.
ચૂંટણી પંચે લોકસભા ઉમેદવાર માટે કુલ ખર્ચની મર્યાદા 70 લાખ રૂપિયા નક્કી કરી હતી. જ્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે સની દેઓલે 86 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાના આરોપ છે. પંચના આ અંગેના કેટલાક પુરાવા મળ્યા છે.
ચૂંટણી પંચના નિયમ પ્રમાણે નક્કી કરેલા મર્યાદા કરતા વધુ ખર્ચ કરવાના મામલે ઉમેદવાર વિરુદ્વ સખત કાર્યવાહી કરવામાં આવશે. પંચના નિયમ મુજબ જો કોઈ ઉમેદવાર વધુ ખર્ચ કરે છે અને પાછળથી નક્કી કરેલી મર્યાદાના નિયમનું ઉલ્લંઘન થયું હોય તો તેનું સંસદસભ્ય પદ રદ્દ કરવામાં આવે છે અને બીજા નંબરે રહેલા ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવે છે.
સની દેઓલ હમણા એક વિવાદમાં સપડાયા હતા. પટકથા લેખક ગુરપ્રીતસિંહ પલહેરીને પોતાના સહાયક નિયુક્ત કર્યા હતા અને કહ્યું હતું કે હવે ગુરુદાસપુરના તમામ મામલા અંગે પલહેરી દેખરેખ રાખશે. ભાજપે પણ સની દેઓલની નિયુક્તિની ટીકા કરી હતી. પલહેરીએ સની દેઓલની યમલા-પગલા-દિવાના, ઘાયલ-વન્સ અગેઈન, સન ઓફ સરદાર તથા મંઝે બિસ્તરે જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.