લગ્ન કરો તો મોદી સરકાર આપે છે અઢી લાખ રૂપિયા, જાણો કેવી રીતે મળે છે આ લાભ

કેન્દ્ર સરકાર જાતિ વ્યવસ્થાના સામાજિક દૂષણને દુર કરવા અને આંતરજાતિય લગ્નને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર એક સ્કીમ ચલાવી રહી છે. આ સ્કીમ હેઠળ કોઈ દલિત સાથે આંતરજાતિય લગ્ન કરે છે તો નવદંપતિને મોદી સરકાર અઢી લાખ રૂપિયા આપે છે.

આ આર્થિક સહાય ડો.બાબા સાહેબ આંબેડકર સ્કીમ ફોર સોશિયલ ઈન્ટીગ્રેશન થ્રૂ ઈન્ટકાસ્ટ મેરેજ અંતર્ગત આપવામાં આવે છે. આ યોજનાની શરૂઆત 2013માં કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે આ સ્કીમ લોન્ચ કરી હતી. તે સમયે વડાપ્રધાન મનમોહનસિંહ હતા અને આ સ્કીમ આજે પણ ચાલે છે.આ સ્કીમનો લાભા લેવા માટે કેટલીક શરતો છે અને તેનું પાલન કરવું આવશ્યક છે.

આ સ્કીમનો હેતુ જાતિ વ્યવસ્થાની કુપ્રથાને ખતમ કરવા માટેના બોલ્ડ કદમ તરીકે જોવામાં આવે છે. આ સાથે જ નવયુગલને ઘર વસાવવા માટે આર્થિક મદદ કરવાનો હેતુ છે.

લાભ લેવા માટે કેવી રીતે કરશો અરજી..

1- નવયુગલે પોતાના વિસ્તારના વર્તમાન સાંસદ અથવા ધારાસભ્યની ભલામણ સાથે અરજી સીધી ડો.આંબેડકર ફાઉન્ડેશનને મોકલી આપવાની રહે છે.

2- નવયુગલ અરજી ફોર્મને ભરીને રાજ્ય સરકાર અથવા જિલ્લા કલેક્ટરને પણ મોકલી શકે છે. ત્યાર બાદ રાજ્ય સરકાર અથવા જિલ્લા કલેક્ટર અરજીને ડો.આંબેડકર ફાઉન્ડેશનને મોકલી આપે છે.

કોને મળી શકે ફાયદો…

1- નવયુગલમાંથી કોઈ એક દલિત સમાજમાંથી હોવું જરૂરી છે. જ્યારે બીજું પાત્ર બિન દલિત હોવું જોઈએ.

2- લગ્ન હિન્દુ વિવાહ અધિનિયમ-1955 પ્રમાણે રજિસ્ટર્ડ થયેલા હોવા જોઈએ. આ અંગે નવયુગલે એફિડેવિટ પણ કરવાની રહે છે.

3- આ સ્કીમનો ફાયદો તેમને જ મળશે જેમણે પ્રથમ વખત લગ્ન કર્યા હોય. બીજા લગ્ન કરનારને ફાયદો મળશે નહીં.

4- લગ્ન કર્યા બાદ એક વર્ષના ગાળામાં અરજીને ડો.આંબેડકર ફાઉન્ડેશનને મોકલવાની રહેશે.

5- જો નવયુગલને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા અન્ય કોઈ યોજનામાં આર્થિક મદદ મળી હોય તો અઢી લાખના રૂપિયાની ધનરાશિમાં ઘટાડો કરી દેવામાં આવે છે.

અરજી સાથે બિડાણના દસ્તાવેજ

1- નવયુગલ જે કોઈ પણ દલિત અથવા અનુસૂચિત જાતિમાંથી હોય તો જાતિનું પ્રમાણપત્ર મૂકવાનું રહેશે.

2-હિન્દુ વિવાહ અધિનિયમ-1955 પ્રમાણે મેરેજ રજિસ્ટ્રેશન કર્યા બાદ મેરેજ સર્ટીફિકેટને અટેચ કરવાનું રહેશે.

3- અરજી સાથે કાયદાકીય રીતે વિવાહિત હોવા અંગેની એફિડેવિટ કરવાની રહેશે.

4- અરજી સાથે પ્રથમ લગ્ન થયા અંગેના દસ્તોવેજો પણ સબમીટ કરવાના રહેશે.

5- નવયુગલે આવકનો દાખલો પણ આપવાનો રહેશે

6- નવયુગલે બેન્ક ખાતાની સંયૂક્ત જાણકારી આપવાની રહેશે.

આ કાર્યવાહી બાદ નવયુગલની અરજી યોગ્ય ઠરે છે તો તેમના ખાતામાં દોઢ લાખ તરત મોકલી આપવામાં આવે છે. જ્યારે બાકીના એક લાખ રૂપિયા સંયુક્ત ખાતામાં ત્રણ વર્ષ માટે ફિક્સ ડિપોઝીટ કરી દેવામાં આવે છે. ત્રણ વર્ષ બાદ ડો.આંબેડકર ફાઉન્ડેશનની સંમતિથી આ રૂપિયા વ્યાજ સાથે દંપતિને આપી દેવામાં આવે છે. આ સ્કીમ હેઠળ દર વર્ષે 500 યુગલને લાભ પહોંચાડાવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર અથવા જિલ્લા કલેક્ટર આવા પ્રકારના લગ્નનું આયોજન કરે છે તો તેમને દરેક લગ્ન પ્રમાણે 25 હજાર રૂપિયા આપવામાં આવે છે.