પીગળી રહ્યા છે હિમાલયાના ગ્લેશિયર્સ: દર વર્ષે સરેરાશ 800 કરોડ ટન બરફ ઓગળી રહ્યો છે

હિમાલય પર તાજેતરમાં આવેલા રિપોર્ટે ભારતીયોની ચિંતામાં વધારો કર્યો છે. જેમાં સ્પષ્ટપણે ખુલાસો કરવામાં આવ્યો છે કે, હિમાલયના ગ્લેશિયર ખૂબ જ ઝડપથી ઓગળી રહ્યા છે. રિપોર્ટમાં ચિંતાજનક દાવો કરવામાં આવ્યો હતો કે, વિતેલા 20 વર્ષ દરમિયાન હિમાલયના ગ્લેશિયર બે ગણી ઝડપથી ઓગળી રહ્યા છે. સતત વધી રહેલા તાપમાનને કારણે હિમાલયના લગભગ 650 ગ્લેશિયર્સનું અસ્તિત્વ જોખમાયું છે. 

ઉપગ્રહની મદદથી કરાયેલા સર્વેક્ષણ અને એક અમેરિકન રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, વિતેલા વર્ષોમાં હિમાલયના ગ્લેશિયર ખૂબ જ ઝડપથી ઓગળી રહ્યા છે. જેના કારણે હિમાલયમાંથી નીકળતી નદીઓના જળસ્તરમાં વધારો થઇ રહ્યો છે. જે ખૂબ જ ચિંતાનો વિષય છે. 

હિમાલયના ગ્લેશિયર પર ગ્લોબલ વોર્મિંગની અસરની તપાસ કરી રહેલી ટીમનું અવલોકન છે કે, વર્ષ 2000થી 2016 વચ્ચે દર વર્ષે ગ્લેશિયર્સનો સરેરાશ 800 કરોડ ટન બરફ ઓગળી રહ્યો છે. આ પહેલા 25 વર્ષની સરેરાશ 400 કરોડ ટન બરફ ઓગળવાનો હતો. પરંતુ વિતેલા 15 વર્ષમાં આ સ્થિતિમાં ફેરફાર થતા ઓગળવાની ઝડપ લગભગ બે ગણી થઇ છે. કોલંબિયા યુનિવર્સિટીના અર્થ ઇન્સ્ટીટ્યૂટના વિજ્ઞાનિકો મુજબ બે હજાર કિલોમીટરથી પણ વધારે લાંબા પટ્ટામાં ફેલાયેલા હિમાલય વિસ્તારમાં તાપમાન એક ડિગ્રીથી વધારે વધી ચૂક્યું છે.