ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપીના કાંધલ જાડેજાએ ભાજપને મત આપ્યો હતો. રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ સાથે જોડાણ ધરાવતી એનસીપીના ધારાસભ્યને ભાજપના ઉમેદવારોની તરફેણનો વ્હીપ અને મતપત્રક દર્શાવવા ભાજપના પદાધિકારીને એજન્ટ તરીકે નિયુક્ત કર્યા હતા. ગુજરાતમાં એનસીપીના પ્રદેશ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા છે અને તેમણે આ વ્યવસ્થા ગોઠવ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.
બળવાખોર MLAનો મત રદ્દ કરવો પડયો
175ના મતદાનમાંથી એસ. જયશંકરને 104 અને જૂગલ ઠાકોરને 105 મત મળ્યા હતા. જ્યારે એક મત રદ્દ થયો હતો. મતગણતરી દરમિયાન કૃષિમંત્રી ફળદુએ એસ.જયશંકર અને ગૌરવ પંડયા એમ બંનેની સામે એકડો ઘુંટયો હોવાથી આ મત રદ્દ ઠર્યાની માહિતી બહાર આવી હતી, પણ આ વાત ખોટી સાબિત થઈ હતી.
ભાજપના 100 મત માન્ય હોવાનું જાહેર થતા તેનો છેદ ઉડયો હતો. કોંગ્રેસના દાવા મુજબ બળવાખોર ધવલસિંહ ઝાલાને મતદાન કરતા ન આવડયુ એટલે તે મતપત્રક રદ્દ થયુ હતું.