વ્યાજના નાણા વસૂલવા માટે 33 કરોડની સંપત્તિ અને 55 લાખના સોનાના દાગીના પડાવી લેનારા દમણના ભાજપના કાઉન્સીલર, બિલ્ડર સલીમ મેમણ ઉર્ફે સલીમ ઢીંગલીની વલસાડ પોલીસે ધરપકડ કરી ચાર દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. વ્યવસાયે બિલ્ડર સલીમ મેમણ પાસેથી ઉપેન્દ્ર રાય નામની વ્યક્તિએ 10 ટકાના વ્યાજે 2.30 કરોડ રૂપિયા લીધા હતા. આ રૂપિયા પર સલીમ દ્વારા ચક્રવૃદ્વિ વ્યાજની વસૂલાત કરવામાં આવી રહી હતી. સલીમે અત્યાર સુધી ઉપેન્દ્ર પાસેથી 33 કરોડની મિલ્કત અને 55 લાખની દાગીના પડાવી લીધા હતા. ઉપેન્દ્ર રાયે વલસાડ પોલીસમાં ફરીયાદ આપી હતી કે બંદુકના નાળચે સલીમે તેમની પાસેથી 2.30 કરોડની અવેજીમાં 33 કરોડની સંપત્તિ અને 55 લાખની દાગીના પડાવી લીધા છે અને હજુ પણ રૂપિયાની વસૂલાત માટે પઠાણી ઉઘરાણી કરી ધાક-ધમકી આપી રહ્યો છે.
વલસાડ પોલીસ વડા સુનીલ જોષીએ આપેલી માહિતી મુજબ વલસાડ એસઓજી અને એલસીબીએ સલમીને મંગળવારે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં પરિવાર સાથે જમતી વખતે દબોચી લીધો હતો. પોલીસે સલીમની ધરપકડ કરતા દમણ સહિત વલસાડ અને વાપીમાં તરખાટ વ્યાપી ગયો હતો.
પોલીસે સલીમ મેમણની બન્ને પત્ની સહિત 13 લોકો સામે ફરીયાદ દાખલ કરી છે અને ધરપકડનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. ઉપેન્દ્ર રાયે સલીમ વિરુદ્વ તલાસરી ખાતે પણ જમીન પ્રકરણમાં પોલીસ ફરીયાદ દાખલ કરી હતી અને તેમાં પણ સલીમની ધરપકડ કરવામાં આવી હતી.
સલીમ ઢીંગલી તરીકે જાણીતા સલીમ મેમણ માટે એવું કહેવાય છે કે એક સમયે તે દમણમાં ઢીંગલી અને રમકડાં વેચવાનો ધંધો કરતો હતો. ત્યાર બાદ તેણે વ્યાજે રૂપિયા ફેરવવાનો ધંધો શરૂ કર્યો હતો અને વ્યાજના નાણા થકી આજે સલીમ બિલ્ડર લોબી અને રાજકારણમાં મોટું માથું બની ગયો છે.
વલસાડ પોલીસ વડા સુનીલ જોષીએ આપેલી મુજબ સલીમની મોડસ ઓપરેન્ટી પણ વિચિત્ર રહી છે. જે વ્યક્તિ પાસેથી રૂપિયા લેવાના હોય તેની પાસેથી રોકડ રૂપિયા લઈ વ્યવહાર કરતો અને તેના ખાતામાં એ રૂપિયા ફરી નંખાવીને કોરા ચેક પર સહી કરાવી લેતો. ત્યાર બાદ કોરા ચેક પર પોતાની પત્નીઓ અથવા મળતીયાઓના નામ લખી તેમના ખાતામાં ડિપોઝીટ કરાવી લેતો હતો. સલીમ દ્વારા મુબઈના શખ્સ પાસેથી રૂપિયાની ઉઘરાણી માટે ફોન કરી અંડરવર્લ્ડની ધમકી આપવામાં આવતી હતી.તલાસરીમાં છોટા શકીલના નામે ધમકી આપી હોવાની વિગતો ખૂલતા પોલીસ ચોંકી ઉઠી છે.
તેમણે કહ્યું કે સલીમની તમામ મોડસ ઓપરેન્ટીની પોલીસ તપાસ કરી રહી છે. રૂપિયા કેવી રીતે ક્યાંથી હેરફર થતા હતા, બેન્ક અકાઉન્ટમાં કેવી રીતે ટ્રાન્સફર કરાતા હતા તેની વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે. સલીમના રીમાન્ડ પુરા થતા પોલીસ તેના વધુ રીમાન્ડની માંગ કરે તેવી શક્યતા છે.