અપેક્ષા મુજબ જ રાજ્યસભાની બન્ને સીટ પર ભાજપનો વિજય

રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટેની પેટા ચૂંટણી આજે ગાંધીનગરમાં યોજાઇ હતી. આખો દિવસ હાઇવોલ્ટેજ ડ્રામા ચાલ્યા બાદ આજે ભાજપના બંને ઉમેદવારોનો વિજય થયો છે.આ અગાઉ મતદાન સંપન્ન થયા બાદ કોંગ્રેસના નેતાઓ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી વાંધા ઉઠાવ્યા હતા. જેમાં એવું કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસના ધારાસભ્ય છે. આ બંને ધારાસભ્યોએ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું છે. જેથી આ બંનેના વોટને રદ્દ કરવા જોઇએ.

આ બંને ધારાસભ્યોએ કોંગ્રેસના પોલિંગ એજન્ટને પોતાનો મત પણ બતાવ્યો નથી. ઉપરાંત એનસીપીના પોલિંગ એજન્ટ કોઇ નહતા. કોંગ્રેસના આવા વાંધાને પગલે સાંજે પાંચ વાગે શરૂ થનારી મતગણતરી અટકી પડી હતી.

આખરે સાંજે સાડા સાત વાગ્યે નવી દિલ્હીના કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગ્રીન સિગ્નલ આપી દેવાતા મતગણતરી હાથ ધરાઇ હતી જેમાં ભાજપના બંને ઉમેદવાર એસ. જયશંકર તથા જુગલજી ઠાકોરને વિજેતા જાહેર કરાયા હતા.

એસ.જયશંકરને 104 વોટ મળ્યા હતા. જ્યારે જુગલજી ઠાકોરને 105 વોટ મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચૂડાસમાને 70-70 વોટ મળ્યા હતા.

ભાજપના વરિષ્ઠ નેતા આઇ.કે.જાડેજાએ સાંજે જ ટ્‌વીટ કરીને આ બંને નેતાઓને ચૂંટણી જીતવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

કોંગ્રેસની માગણીને ચૂંટણીપંચે સ્વીકારી નથી. આમ રાજ્યસભાની ખુબ જ હાઇવોલ્ટેજ બની ગયેલી ચૂંટણી સંપન્ન થઇ છે.