સાંડેસરા કેસમાં EDએ ગુજરાત કોંગ્રેસના નેતાના PAની ચાર દિવસ સુધી કરી આકરી પૂછપરછ

પાંચ હજારકરોડના કૌભાંડમાં સાંડેસરા ગ્રુપ(સ્ટર્લીંગ બાયોટેક) વિરુદ્વ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસનો ધમધામટ ચાલી રહ્યો છે. ED દ્વારા સાંડેસરા સાથે સીધી રીતે સંકળાયેલા કોંગ્રેસ નેતાના પીએની ચાર દિવસ સુધી લાગલગાટ પૂછપરછ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન EDની તપાસનો ગાળીયો ફીટ થતાં જણાતા કોંગ્રેસના નેતા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા.

EDના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસના નેતાનું નામ સાંડેસરા પ્રકરણમાં સંડોવાયેલું છે. નેતાની સામે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. સાંડેસરાના ડિરેક્ટરે ED સમક્ષ કબૂલાત કરી હતી કે ભરૂચ ખાતે કોંગ્રેસના નેતાના ડ્રાઈવરને રૂપિયા આપવામાં આવ્યા હતા આ ઉપરાંત દિલ્હી ખાતેની ઓફીસને અલગ અલગ નામોથી એટલે કે કોડવર્ડથી ઓળખવામાં આવતી હતી.

ભરૂચ ખાતે નેતાનું કામકાજ સંભળાતા પીએની ED દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રો કહી રહ્યા છે ચાર દિવસ સુધી પીએની પૂછપરછ કરી EDએ તેને હાલ જવા દીધો છે. આવનાર દિવસોમાં આ પ્રકરણ અંગે વધુ સ્ફોટક ખુલાસા થવાની શક્યતા જોવા મળી રહી છે.

કોંગ્રેસના નેતાની ફરતે EDનો ગાળીયો કસાતો જઈ રહ્યો છે. કોંગ્રેસના નેતાને EDની તપાસની ગંધ આવતા અને ગાળીયો ફીટ થવાનું લાગતા તેઓ શનિવારે દિલ્હી ખાતેની હોસ્પિટલમાં દાખલ થયા હતા અને રવિવારે સાંજે તેઓ પોતાના વતન આવ્યા હતા અને સોમવારે સાંજે દિલ્હી ખાતે પરત થયા હતા.

સાંડેસરા પ્રકરણમાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દીકીની પણ  ED દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મની લોન્ડરીંગ કેસમાં ED દ્વારા ખૂબ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.