રત્નાગીરીમાં બંધ તૂટતા આવ્યા પ્રંચડ પૂર, 7ના મોત, 23થી વધુ લાપતા, ઘરો વહી ગયા પાણીમાં

મહારાષ્ટ્રના રત્નાગીરીમાં તિવરે બંધ તૂટવાના કારણે ગામોમાં પૂર આવી ગયા છે. આ ઘટનામાં સાત લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 23 લોકો લાપતા બન્યા છે. પંદર જેટલા ઘરો પાણીમાં વહી ગયા છે. બંધ તૂટવાના કારણે સાત ગામ તેની ઝપટમાં આવી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ગામોમાં એનડીઆરએફી ટીમો પહોંચી ગઈ છે.

મૂશળધાર વરસાદના કારણે મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદના કારણે આર્થિક પાટનગર જળબંબાકાર બની ગયું છ. જ્યારે મલાડમાં દિવાલ તૂટવાની ઘટનામાં 22 લોકોના જાન ગયા છે.  

અધિકારીઓએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં પાછલા 24 ક્લાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 35 જેટલા લોકો મોતને ભેટ્યા છે. રવિવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે રેલ, વિમાની સેવા અને ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સરકારે લોકોને ઘરમાંથી બહાર નહીં નીકળવાની અપીલ કરી છે.