લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થવાને એક મહિનાનો સમયગાળો થઈ ગયો છે પણ કોંગ્રેસમાં હજીય ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પ્રમુખ રાજીનામું આપવાની વાત પર અડગ છે અને નવા પ્રમુખ બનાવવાની વાત પર પણ મક્કમ છે.
બુધવારે રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસમાં વહેલામાં વહેલી તકે રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની ચૂંટણી થવી જોઈએ. હવે હું પ્રમુખ પદે નથી. રાહુલે કહ્યું કે એક મહિના પહેલાં જ પ્રમુખની નિમણૂં થવી જોઈતી હતી.
બુધવારે રાહુલ ગાંધીએ કહ્યું કે કોઈ પણ ભોગે હવે રાજીનામું પરત લેશે નહીં. જલ્દીથી પ્રમુખની ચૂંટણી કરવામાં આવે. 23મી તારીખે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસ કારોબારીએ રાહુલ ગાંધીના રાજીનામાનો અસ્વીકાર કર્યો હતો.
રાહુલનું માનવું છે કે નવા પ્રમુખની ચૂંટણી કરવામાં વિલંબ થઈ રહ્યો છે. વિલંબન બદલે કોંગ્રેસ વર્કીંગ કમિટીની મીટીંગ બોલાવી વહેલામાં વહેલી તકે પ્રમુખનો ફેસલો કરવાની જરૂર છે. વર્કીંગ કમિટીની બેઠક ક્યારે બોલાવવામાં આવે તે કમિટીના મેમ્બરો નક્કી કરશે. હું બેઠક બોલાવીશ નહીં.
નોંધનીય છે કે રાહુલ ગાંધીએ જ્યારથી રાજીનામું આપવાની વાત કરી છે ત્યારથી કોંગ્રેસમાં ભારે ઉથલપાથલ થઈ રહી છે. રાહુલે નારાજગી જાહેર કરતાં કહ્યું હતું કે એક પણ નેતાએ હારની જવાબદારી સ્વીકારી નથી. તેમના રાજીનામા બાદ કોઈએ રાજીનામા આપ્યા નથી. રાહુલ ગાંધીના રાજીનામાના સમર્થનમાં એક પણ સિનિયર નેતાએ રાજીનામું આપ્યું નથી અને રાષ્ટ્રીય સ્તરનો એક પણ નેતા સામેલ થયો નથી.
રાહુલ ગાંધી પણ રાજીનામું પરત લેવાનુ દબાણ ચાલી રહ્યું છે. કાર્યકરો ધરણા અને પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હીમાં ધરણા પર બેઠેલા કાર્યકરોને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને અહેમદ પટેલ સમજાવવા ગયા હતા પણ કાર્યકરો માન્યા નહી અને ધરણા પર બેસી રહ્યા હતા.
કોંગ્રેસ શાસિત મુખ્યમંત્રીઓએ પણ રાજીનામા આપવાની ઓફર કરી હતી, રાહુલ ગાંધી અડગ છે હવે રાજીનામા પ્રશ્ને કોઈ ફેરનિર્ણય કરશે નહીં.