મંબઈમાં ભારે વરસાદના કારણે બનેલી ઘટનાઓમાં 27 લોકોના મોત થયા છે. આ અંગે રાજ્યસભામાં એનસીપી, સમાજવાદી પાર્ટીએ પ્રશ્નો ઉઠાવી કેન્દ્ર અને રાજ્ય સરકારને ઘેર્યા હતા. એનસીપીના સાંસદ માજીદ મેમણે કહ્યું કે ત્રણ દિવસથી મુંબઈમાં જે ક્યામત આવી છે તેના પર કેન્દ્ર સરકાર આસાનીથી કહી શકે છે કે આ તો મહારાષ્ટ્ર સરકારનો મામલો છે. પણ ઈન્ટરનેશનલ અને દેશની ચેનલો પર મુંબઈની જે શર્મનાક તસવીરો આવી રહી છે તેમાં લોકો કમરબૂડ પાણીમાં દેખાય છે. ઝાડ પડી રહ્યા છે. દિવાલો પડી રહી છે અને લોકો મરી રહ્યા છે. આ દર વર્ષના દ્રશ્યો બની ગયા છે અને આ દ્રશ્યો ક્યારે બદલાશે તે કોઈ કહી શકે એમ નથી.
સાંસદ મેમણે કહ્યું કે બીએમસી દેશની સૌથી મોટી મહાનગરપાલિકા છે અને તેનું બજેટ 30 હજાર કરોડ રૂપિયાનું છે. એનડીએ ગઠબંધનની સરકાર ચલાવી રહી છે, શિવસેના સાથે છે. હું મુંબઈમાં રહું છું અને કાલે મને ટવિટ કરીને કહેવાયું કે શું તમારી પાસે બોટ છે. કારણ કે પાણી એટલું બધું ભરાયું હતુ કે ઘરમાંથી બહાર નીકળી શકાય એમ જ ન હતું.
તેમણે કહ્યું કે એવું નથી કે બીએમસી પાસે રૂપિયા નથી, પણ સારા રસ્તા અને ડ્રેનેજ લાઈન બનાવવામાં આવી રહી નથી. બીએમસી પાસે પુષ્કળ રૂપિયા છે, પરંતુ ભ્રષ્ટાચારન કારણે કશું પણ કરવામાં આવી રહ્યું નથી. 27 મોત માટે કોણ જવાબદાર છે.
બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચને પણ ટવિટ કરીને કહ્યું હતું કે હવે એવી સિસ્ટમ બનાવવી પડશે કે કુદરતી આફતમાંથી બચી શકીએ.