દેશના કેટલાક રાજ્યોમાં ટોળા દ્વારા મુસ્લિમોની હત્યા(મોબ લીંચીંગ)ના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં ઝારખંડમાં ટોળા દ્વારા મુસ્લિમ યુવાનની માર મારી હત્યા કરવામાં આવી હતી. બની રહેલી આવી ઘટનાઓનો વિરોધ કરવા માટે સુરતમાં શુક્રવારે વર્સેટાઈલ માઈનોરીટી ફોરમ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્સેટાઈલ માઈનોરીટી ફોરમના પ્રમુખ અને એડવોકેટ બાબુ પઠાણે લેખિત નિવેદનમાં જણાવ્યું છે કે હાલમાં જુદા-જુદા રાજ્યોમાં મોબ લીંચીગના નામે નિર્દોષ-સ્ત્રી પુરુષોને મોતને ઘાત ઉતારવામાં આવી રહ્યા છે. તેમાં ખાસ કરીને મોબ લીંચીંગ કરનારા તત્વોનો હેતુ ભારત દેશમાં જે કોમી એક્તા છે તે તૂટી જાય અને દેશમાં અરાજક્તાનો માહોલ સર્જાય તે છે.
બાબુ પઠાણે જણાવ્યું કે મોબ લીંચીંગમાં ખાસ કરીને મુસ્લિમોને ટારગેટ કરવામાં આવી રહ્યા છે. વ્યક્તિગત દુશ્મનીને પણ પાર પાડવા માટે ટોળાશાહી દ્વારા ભીડતંત્ર ઉભું કરી વ્યક્તિઓની ખુલ્લેઆમ જાહેરમાં હત્યા કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું કે ઝારખંડ, હરીયાણા, યુપી જેવા રાજ્યોમાં આવા બનાવોની સંખ્યા વધી રહી છે અને આ રાજ્યો અગ્રેસર છે. આવા સંજોગોમાં નિર્દોષ નાગરિકોમાં જર અને ભયનો માહોલ છે. ખાસ કરીને મુસ્લિમ સ્ત્રી-પુરુષોને તેમના પહેરવેશ અને નામઠામ પૂછી તેમના ઉપર હુમલો કરવામાં આવે છે. આ મોબ લીંચીગની બનતી ઘટનાઓને તાત્કાલિક ન ડામવામાં આવે તો દેશમાં અરજક્તા અને અશાંતિનું વાતાવરણ ઉભું થઈ જશે. જેથી આવા મોબ લીંચીગ કરનાર તત્વોને ઝેર કરવા અને તેમને આવી રીતે મોબ લીચીંગ કરતા અટકાવવા માટે સખત સજા કરતો કાયદો બનાવવાની માંગ સાથે પાચી જુલાઈ, શુક્રવારના રોજ બપોરે ત્રણ કલાકે બડેખાં ચકલા, હઝરત ખ્વાજા દાના સાહેબની દરગાહથી મુસ્લિમોની રેલી વર્સેટાઈલ માઈનોરીટી ફોરમના નેજા હેઠળ નીકળશે. મોબ લીંચીગ વિરુદ્વ સખત કાયદો બનાવવાની માંગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.