રાજ્યસભાની ચૂંટણી: શા માટે કોંગ્રેેસે ધારાસભ્યોને માઉન્ટ આબુ મોકલી આપ્યા? શું કહ્યું અલ્પેશ ઠાકોરે?

ગુજરાત કોંગ્રસે 65 ધારાસભ્યોને માઉન્ટ આબુ મોકલી આપ્યા છે. ત્યાં ધારાસભ્યો 24 ક્લાક રોકાશે. પાંચમી જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી યોજવામાં આવી રહી છે.

કોંગ્રસે કહ્યું છે કે ભાજપ દ્વારા ધારાસભ્યોને તોડી પાડવાના પ્રયાસોને અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે તો કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ કહ્યું છે કે માઉન્ટ આબુમાં કોંગ્રેસ દ્વારા એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને ધારાસભ્યોને શિબિરમાં હાજર રાખવા માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાજપ દ્વારા ધારાસભ્યો પર પ્રેશર ટેક્ટિક્સ અપનાવવાની શક્યતા રહેલી છે. તમામ ધારાસભ્યો રાજ્યસભાની પેટાચૂંટણી પહેલાં ગુજરાત પરત ફરવાના છે.

કોંગ્રેસના 71 ધારાસભ્યોમાંથી 65 ધારાસભ્યો માઉન્ટ આબુ ગયા છે. કોંગ્રેસ દ્વારા અગમચેતીના પગલા ભરવામાં આવ્યા હોવાનું મનિષ દોષીએ જણાવ્યું છે.

ધારાસભ્યોને રાજસ્થાન ખેડવાનો નિર્ણય અશોક ગેહલોત અને રાજીવ સાતવે કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધી સાથે મીટીંગ કર્યા બાદ લીધો હતો. 2017ની ચૂંટણીમાં 44 ધારાસભ્યોને કર્ણાટકના બેંગ્લુરુ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે ધારાસભ્યોને માઉન્ટ આબુ એટલા માટે રવાના કર્યા છે કે કોંગ્રેસમાં અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે, ધારાસભ્યોમાં મોટાપાયા પર નારાજગી છે અને આ અંસતોષ અને નારાજગીને દુર કરવાના ભાગરૂપે કોંગ્રેસે માઉન્ટ આબુવાળી કરી છે.

ખબર મળી રહે છે કે 14 જેટલા ધારાસભ્યો ગમે ત્યારે કોંગ્રેસ છોડી શકે એમ છે. આ અંગે ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલને કાર્યકરોએ ફરીયાદ કરી હતી પણ તેમની ફરીયાદ તરફ આંખ આડા કાન કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાર બાદના ઘટના ક્રમમાં ધારાસભ્યોને માઉન્ટ આબુ મોકલવામાં આવ્યા છે.

માઉન્ટ આબુ નહીં જનારા ધારાસભ્યોમાં અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરતસિંહ ઠાકોર છે. અલ્પેશ ઠાકોરે જાહેર કર્યું છે તેઓ માઉન્ટ આબુ નહીં જશે પણ વોટ કોંગ્રેસને આપશે.

ગુજરાતમાં રાજ્યસભાની બે સીટ ખાલી પડી છે. અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાઈ આવતાં બન્ને સીટ પર અલગ અલગ બેલેટ પેપરથી મતદાન થવાનું છે. કોંગ્રેસ પાસે એક પણ સીટ જીતી શકાય તેટલું સંખ્યાબળ નથી. બન્ને સીટ પર ભાજપનો આસાન વિજય જણાય છે.