કાર્યકરોએ કહ્યું કે ગુજરાતના 14 MLA કોંગ્રેસ છોડી દેશે તો અહેમદ પટેલે આપ્યો આવો જવાબ

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. તાજેતરમાં કોંગ્રેસના નારાજ ધારાસભ્યોએ ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર મીટીંગ કરી હતી અને કોંગ્રેસના પ્રદેશના નેતાઓ ઉંચા-નીચા થઈ ગયા હતા.

રવિવારે રાત્રે અહેમદ પટેલ પીરામણ ખાતે આવ્યા હતા અને સોમવારે સાંજે પરત દિલ્હી રવાના થયા હતા. અહેમદ પટેલને કોંગ્રેસના કેટલાક કાર્યકરો મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ અહેમદ પટેલને પાર્ટીમાં વ્યાપેલા અસંતોષ અને નારાજગી તથા ગુસ્સા અંગે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત કાર્યકરોએ કહ્યું હતું કે 14 ધારાસભ્યો કોંગ્રેસ છોડવાના મૂડમાં છે અને તેમને સાચવી લેવાની જરૂર છે. કાર્યકરોની વાતની અહેમદ પટેલે તસ્દી સુદ્વા લીધી ન હતી અને કાને પણ ધરી ન હોવાનું કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું.

કાર્યકરોની વાત સાંભળીને અહેમદ પટેલે આંખ આડા કાન કર્યા હતા અને એવી રીતની વાત કરી હતી કે જેનાથી કોંગ્રેસના કાર્યકરો અવાચક થઈ ગયા હતા. અહેમદ પટેલે જવાબ આપ્યો હતો કે કોઈ કશે જાય-બાય નહીં, આ બધી ખોટી વાતો છે.

અહેમદ પટેલની વાત સાંભળી કાર્યકરોના સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ થઈ હતી. અહેમદ પટેલે કાર્યકરોને વાતને ખૂબ જ હળવાશથી લીધી અને ગંભીર ફરીયાદ તરફ ધ્યાન આપ્યું ન હતું. એવું પણ ન હતું કહ્યું કે સારું, ધારાસભ્યો સાથે વાત કરીશું,

મહત્વની વાત છે કે રાજ્યસભાના ઉમેદવારોની પસંદગીમાં પણ કોંગ્રેસે એક પણ ધારાસભ્યની સેન્સ લીધી ન હતી. ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા હતા. હારવાની બાજી હોવા છતાં પ્રદેશ કોંગ્રેસે અહેમદ પટેલના ખાસ વિશ્વાસુ ગૌરવ પંડ્યા અને ચંદ્રીકાબેન ચૂડાસમાને ટીકીટ આપી છે તે નિર્ણયથી પણ કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

ચર્ચા એવી છે કે કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે ભારે ઉથલપાથલ ચાલી રહી છે અને તેની અસર ગુજરાતમાં સવિશેષ પડવાની સંભાવના છે ત્યારે કોંગ્રેસના 14 ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાની ફિરાકમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.