મેટ્રો રેલ માટે સુરતીઓનું સપનું સાકાર થવા તરફ, નીતિન પટેલે ફાળવ્યા 50 કરોડ, તાપી શુદ્વિકરણની ફરી જાહેરાત

નાણા મંત્રી જે પ્રકારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર વારી ગયા તેવી રીતે તેઓ દક્ષિણ ગુજરાત પર વારી ગયા છે. દ.ગુજરાતમાં સિંચાઈની મબલખ યોજના આપી છે. પાણી પુરવઠા માટે જોગવાઈ કરી છે. સુરતની મહત્વકાંક્ષી બે યોજના પ્રત્યે સુરતીઓના સપનાને સાકાર કરવાની દિશા તરફ ડગ માંડ્યા છે.

અમદવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરી દેવાયું છે અને બીજા તબક્કાની શરૂઆત કરવાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. અમદવાદ મેટ્રો રેલના ફેઝ-2 માટે તથા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે નાણા મંત્રી નીતિન પટેલે મિકેનિકલ કામગીરી માટે 50 કરોડની જોગવાઈ કરી છે.

નાણા મંત્રી નીતિન પટેલે સુરત અંગે વધુ એક જાહેરાત કરી છે. દ.ગુજરાતની જીવાદોરી તાપી નદીના શુદ્વિકરણ માટે 922 કરોડની યોજનાનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરત-કડોદરા પાસે હાઈવે પર અંડર બ્રિજ બનાવવા માટે 110 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.