શું પીરિયડ્સનો પણ પર્વ હોય છે? જાણો દેશના એક રાજ્યમાં પીરિયડ્સ પર્વની ઉજાણી વિશે

આપણા દેશમાં એવી કેટલીય માન્યતાઓ પ્રચલિત છે જેને જાણ્યા બાદ આપણે દંગ રહી જઈએ છીએ. આજે અમે આપના માટે આવી જ કંઈક વિચિત્ર અને ચોંકાવનારી વાત લઈને આવ્યા છીએ. આજે પણ એવી જગ્યાઓ છે જ્યાં પીરિયડ્સ(માસિક)ને લઈ મહિલાઓ ખુલીને વાત કરી શકતી નથી. પણ આજના યુગમાં એવી પણ એક જગ્યા છે જ્યાં પીરિયડ્સને લઈને તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

જી, હા, આ જાણીને તમે ચોંકી ઉઠ્યા હશો. ચોંકાઈ જવું યોગ્ય પણ છે. પણ આ સત્ય છે કે ઓડિશામાં પીરિયડ્સને લઈ તહેવાર મનાવવામાં આવે છે. આટલું જ નહીં પણ આ તહેવારને મુખ્ય તહેવારો પૈકી એકની માન્યતા મળી છે, જેનો રજો પર્વ કહેવામાં આવે છે.

આ પીરિયડ્સ તહેવાર ગયા જૂન મહિનામાં ઉજવાયો હતો. 14 જૂનથી ચાર દિવસ સુધી આ તહેવાર ચાલ્યો હતો. ચાર દિવસ ચાલેલા આ પર્વના પ્રથમ દિવસે પહીલી રજો, બીજા દિવસને મિથુ સંક્રાંતિ, ત્રીજા દિવસને ભૂદાહા અથવા બાસી રજો અને ચોથા દિવસને વાસુમતિ સ્નાન તરીકે ઉજવવામાં આવે છે.

આ પર્વની ખૂબી એ છે કે આ તહેરવામાં એવી જ સ્ત્રીઓ ભાગ લઈ શકે છે કે જે માસિકના સમયગાળામાંથી પસાર થઈ રહી હોય. તહેવારના સમય દરમિયાન ઘરના કામકાજને ઠપ કરી દેવામાં આવ્યા છે. ઘરનું બધું જ કામ પુરુષો કરે છે અને ત્યાં સુધી જમવાનું પણ પુરુષો જ બનાવે છે.

અહીંયાની માન્યતા અનુસાર શ્રી હરિ વિષ્ણુના પત્ની ભૂદેવી(પૃથ્વી)ને રાજસ્વલામાંથી પસાર થવું પડે છે. ભૂદેવીનો આ પીરિયડ ત્રણથી ચાર દિવસ ચાલે છે. આ દરમિયાન જમીન સાથે જોડાયેલા તમામ કાર્યો અટકાવી દેવામાં આવે છે, જેથી કરીને ભૂદેવીને આરામ મળે.

ભારત દેશમાં ઘરતીને સ્ત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે સ્ત્રી રજસ્વલા હોય તો એમ મનાય છે કે તે સંતાનોપ્તિ માટે સક્ષમ છે. બરાબર તેવી જ રીતે અષાઢ માસમાં ભૂદેવી રજસ્વલા હોય છે અને ખેતરોમાં વાવણી કરવા માટે બીજ નાંખવામાં આવે છે, જેથી કરીને પાક સારો થાય. ઓડિશાની ભાષામાં રજ પર્વને રજો પર્વ કહેવામાં આવે છે. આ સિવાય રજો પર્વને ચોમાસાના આગમન રૂપે પણ જોવામાં આવે છે. ઓડિશા દેશનું એક માત્ર રાજ્ય છે જ્યાં રજો પર્વની ઉજવણી કરવામાં આવે છે. કહેવાય છે કે દક્ષિણ અને પશ્ચિમ ઓડિશામાં આ પર્વની ઉજવણી પરંપરાગત રીતે વર્ષોથી કરવામાં આવે છે.