સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનશે એરો ડ્રોમ, નીતિન પટેલે બજેટ સ્પીચમાં કરી જાહેરાત

નાણા મંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વિશેષ જોગવાઈ કરી છે. નાણા મંત્રીએ જણાવ્યું કે લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ લોકપ્રિય બની છે. અત્યાર સુધીમાં આશરે 20 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી છે. દરરોજ આશરે 10 હજાર પ્રવાસીઓ આવે છે. તે ધ્યાને લઇ પ્રવાસીઓ માટે વેલી ઓફ ફ્લાવર્સ, જંગલ સફારી, શ્રેષ્ઠ ભારત ભવન, નેવીગેશન ચેનલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, કેકટસ ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન તેમજ રાત્રિ રોકાણ માટેની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આમ, આ વિસ્તારના સંતુલિત વિકાસ માટે 260 કરોડ કરતાં વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે.

નાણામંત્રીએ જણાવ્યું કે ગુજરાતના કાર્યરત 11 એરપોર્ટ અને પાંચ એરસ્ટ્રીપ સાથે વિમાની સેવામાં ગુજરાત આગેકદમ કરી રહ્યું છે.  વિમાની સેવા પાછળ 442 કરોડ રૂપિયા ખર્ચવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે સરદાર સરોવર, શેત્રુંજ્ય ડેમ, સાબરમતિ રિવરફ્રન્ટ જેવા વોટર ડેસ્ટીનેશન પર વિમાન ઉતરાણની સેવા શરૂ કરવા વોટર એરોડ્રોમ બનાવવા માટે પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે આ સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વન અને પર્યાવરણની સુવિધા માટે 69 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એરિયલ વ્યૂ જોઈ શકાય તે માટે હેલિકોપ્ટર સેવા પાછળ એક કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. રાજપીપળા ખાતે એરપોર્ટ-એરોડ્રોમના ફિઝીબિલીટી રિપોર્ટ તૈયાર કરવા માટે એક કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.