મુંબઈમાં 24 કલાકમાં 15 ઇંચ વરસાદ, 35નાં મોત

મુંબઇ સહિત મહારાષ્ટ્‌માં ભારે વરસાદના કારણે હાલત કફોડી બનેલી છે. અતિ ભારે વરસાદ છેલ્લા કેટલાક દિવસથી પડી રહ્યો છે જેના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. મુંબઇમાં 1974 પછી બીજી વખત સૌથી વધારે વરસાદ નોંધાયો છે. પુણે અને મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે દિવાળ ધસી પડવાની જુદી જુદી ઘટનામાં કુલ 35 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં તો પાંચથી છ ફુટ સુધીના પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે મોડી રાત્રે મલાડ ઇસ્ટ-કલ્યાણ અને પુણેમાં દીવાલ પડવાના કારણે 19 લોકોના મોત થયા છે. મલાડ-ઇસ્ટમાં પિમ્પરીપાડામાં દીવાળ ધરાશાયી થવાની ઘટના બની હતી. ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. મુંબઇ એરપોર્ટ ખાતેથી 54થી વધારે ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી છે.

મુંબઈની પત્રકાર અંધેરીના વીરા દેસાઈ રોડ પર મેઈન હોલમાં પડી જતાં તેને બચાવી લેવામાં આવી હતી. ભારે વરસાદના કારણે પઈવનો તળાવ ઓવર ફ્લો થઈ ગયો હતો. જ્યારે ટ્રેનો વિલંબથી ચાલી રહી હતી તથા કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ હતી. આવી સ્થિતિમાં પણ કેટલીક જગ્યાએ ડબ્બાવાળાઓએ ડિલીવરી કરી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભાની સમક્ષ છત્રપતિ શિવાજીની પ્રતિમા ખાતે અપક્ષ ધારાસભ્ય બચ્છુ કાદૂએ સરકાર અને પાલિકા તંત્ર પર પોતાના વિસ્તારમાં વિકાસ કાર્યોની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું.

ખાસ કરીને બેસ્ટની બસો ખોટકાઈ હતી. અંદાજે 152 જેટલી બેસ્ટની બસો પાણીમાં ફસાઈ ગઈ હતી. બેસ્ટને ભારે વરસાદના કારણે ખાસ્સુ નુકશાન સહન કરવું પડ્યું છે.

ગઈ રાતથી મુંબઈ પોલીસને મદદ માટે 1600-1700 જેટલા ટવિટ મળ્યા હતા. જુહુ એરપોર્ટ પરનું તમામ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે હેલિકોપ્ટર સર્વિસ પણ સ્થિગત કરી દેવામાં આવી છે.

પાછલા ચોવીસ ક્લાકમાં મુંબઈમાં આઠથી દસ ઈંચ વરસાદ ખાબક્યો હોવાના સમાચાર છે. કલ્યાણમાં ત્રણના મોત નોંધાયા છે. રસ્તાઓ જળંબબાકાર બની ગયા છે. અંદાજે 74 બસ પાણીમાં ગરક છે જ્યારે અન્ય 74 બસને બહાર કાઢવામાં આવી છે.

મુંબઈ વિમાની મથક ખાતે સેવા બંધ કરવામાં આવ્યા બાદ તેને ફરી શરૂ કરવામાં ૪૮ કલાકનો સમય લાગી શકે છે. અતિ ભારે વરસાદની ચેતવણી હજુ પણ જારી કરવામાં આવી છે. જો કે, બીએમસીમાં કોઇ રજા જાહેર કરવામાં આવી નથી. છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે બીએમસી કન્ટ્રોલ રુમની આજે મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્ર સરકારે મલાડ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

સરકારે આજે દરેક સરકારી અને ખાનગી સ્કુલોને બંધ રાખવાની જાહેરાત કરી છે. મોટી સંખ્યામાં ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. મુંબઇમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો આજે જળબંબાકાર બની ગયા હતા. પાણી ભરાઇ જવાના કારણે ભારે અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઇ અને આસપાસના વિસ્તારો તેમજ મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે.

મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત એરપોર્ટ, પવઇ, એસવી રોડ, વીરા દેસાઇ રોગ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જુહુમાં પણ પાણી ભરાઇ ગયા છે. જે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઇ હતી તેમાં તમામ ભરચક રહેતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. વરસાદના પરિણામ સ્વરુપે ઉપનગરીય વિસ્તારોમાં લોકલ ટ્રેન સ્ટેશનો ઉપર જોરદાર ભીડ જામી હતી.

 વરસાદ બાદ ટ્રાફિકની હાલત કફોડી બની હતી. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી 36 કલાક સુધી મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને મુંબઈ, થાણે, રત્નાગીરી અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદની ચેતવણી બાદ તંત્ર સાબદુ થઇ ગયું છે.

વેસ્ટર્ન રેલવેના કહેવા મુજબ પાલઘરમાં ભારે વરસાદના લીધે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા છે. યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને અનેક ટ્રેનો રદ કરવામાં આવી ચુકી છે. ભારે વરસાદથી હિંદમાતા, સાયન, કુર્લા, બાંદરા, દાદર, કિંગ સર્કલ, એરિયા, ચેમ્બુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. પાલઘરમાં રેલવે ટ્રેક પર પાણી જમા થવાના કારણે રેલવે સેવા ખોરવાઇ ગઇ હતી. કેટલીક ટ્રેનોને રદ કરવાની ફરજ પડી હતી. મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ગુરૂવારના દિવસે રાત્રી ગાળાથી જ ભારે વરસાદ થઇ રહ્યો છે. વેસ્ટર્ન રેલવેના કહેવા મુજબ મુંબઇ ડિવિઝનના પાલઘરમાં રવિવાર રાત્રી ગાળાથી ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે હાલત કફોડી બની ગઇ છે.