રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસ કાર્યકર ફાંસીએ લટકવા તૈયાર થયો, જાણો આખો મામલો

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ પ્રમુખ પદ છોડી દેવાનું અડગ વલણ ધારણ કરતા નેતાઓ અને કાર્યકરોમાં મોટાપાયા પર લાગણીના ઘોડાપૂર આવ્યા છે. સાગમટે રાજીનામા પડી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીને રાજીનામું પરત ખેંચી કોંગ્રેસ પ્રમુખ પદે યથાવત રહેવા માટે અપીલ કરવાનો સિલસિલો ચાલુ છે.

આ દરમિયાનમાં કોંગ્રેસ કાર્યકરે દિલ્હીના કોંગ્રેસ કાર્યાલયની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. રાહુલ ગાંધીના રાજીનામાથી દુખી થયેલા કોંગ્રેસ કાર્યકરે પોતાને ઝાડ સાથે ગળે ફાંસો આપવાની કોશીશ કરી હતી. જોકે, ત્યાં હાજર રહેલા કોંગ્રેસના આગેવાનો અને અન્ય કાર્યકરો, પોલીસ તથા સુરક્ષા કર્મચારીઓએ કોંગ્રેસ કાર્યકરના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને તેને ગળે ફાંસો ખાતા અટકાવ્યો હતો.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર કોંગ્રેસના કાર્યકર દ્વારા ઝાડ પર ચઢીને પોતાની જાને ફાંસો ખાઈ મરી જવાની તૈયારી કરવામાં આવી હતી. કાર્યકરનું કહેવું હતું કે રાહુલ ગાંધી રાજીનામું પાછું લેવા માંગતા નથી, જેના કારણે દુખી થઈને હું ફાંસીએ લટકી જવા માંગું છું.

નોંધનીય છે કે રાહુલ ગાંધી કહી ચૂક્યા છે કે તેઓ કોંગ્રેસ પ્રમુખ બની રહેવા માંગતા નથી. કોંગ્રેસે હને નોન ગાંધી પ્રમુખની શોધ કરવી પડશે. સૌનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસના સાંસદોને રાહુલ ગાંધીએ સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે પોતે હવે નિર્ણય બદલશે નહીં.