શું કોંગ્રેસમાં ફરી એક વાર ભંગાણ થશે?

( સૈયદ શકીલ દ્વારા ): 28 ડિસેમ્બર 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારથી લઈને આજદિન સુધી કોંગ્રેસમાં એનક પ્રકારના વિવાદો, ઘમાસાણ થઈ ચૂક્યા છે. આઝાદીકાળ અને ત્યાર પછીના સમયગાળામાં કોંગ્રેસના 1.5 કરોડ મેમ્બર હતા ને સાત કરોડથી પણ વધારે પાર્ટીશિપેન્ટ સાથે સત્તામાં આવી હતી. 1947માં આઝાદી મળી અને કોંગ્રેસ દેશની મુખ્ય રાજકીય પાર્ટી બની. આઝાદીથી લઈને 2019 સુધીમાં કોંગ્રેસે 17 ચૂંટણી જોઈ અને તેમાં 6 વખત સંપૂર્ણ બહુમત સાથેની સરકાર બનાવી અને ચાર વખત સત્તારુઠ ગઠબંધનનું નેતૃત્વ કર્યું. અંતે 50 વર્ષ સુધી દિલ્હીની ગાદી પર કોંગ્રેસનું રાજ રહ્યું. કોંગ્રેસે સાત વડાપ્રધાન આપ્યા. પરંતુ 2014માં 44 અને 2019માં 54 બેઠક સાથે કોંગ્રેસ ભૂંડો દેખાવ જોવા મળ્યો છે. કોંગ્રેસનો ઉદ્વાર ગાંધી પરિવાર સિવાય કોઈએ કર્યો નથી અને થશે પણ નહીં. કોંગ્રસમાં નોન-ગાંધી પ્રમુખોના કારણે છેવટે કોંગ્રેસની હાલત મરણપથારીએ પહોંચી ગઈ હતી.

2019માં ભાજપ-એનડીએના ભવ્ય વિજય બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી રાજીનામા ટસથી મસ થઈ રહ્યા નથી. આ પ્રવાહીશીલ સ્થિતિમાં કોંગ્રેસમાં ફરી એક વાર ભંગાણની સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે.

સમયે-સમયે કોંગ્રેસની નીતિઓનો વિરોધ થતો રહ્યો ચે. રામમનોહર લોહિયા જવાહરલાલ નેહરૂની નીતિઓના કટ્ટર વિરોધી હતા. તેમણે ઈન્દીરા ગાંધીને સત્તા સ્થાનેથી ઉખેડી ફેંકી દીધા હતા જ્યારે વિશ્વનાથ પ્રતાપસિંહ બોફોર્સ પ્રકરણ બાદ રાજીવ ગાંધીને સત્તા સ્થાને ખદેડી દીધા હતા.

લોહિયાએ કોંગ્રેસ હટાવોનો નારો આપ્યો હતો. આની અસર 1967ની સામાન્ય ચૂંટણીમાં જોવા મળી. દેશના 9 રાજ્ય પ.બંગાળ, બિહાર, ઓડિશા, મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરળ, હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં બિન કોંગ્રેસી સરકારો બની. લોહિયા બિન કોંગ્રેસી સરકારોના સૂત્રધાર બન્યા હતા.

ત્યાર બાદ આવ્યા લોક નાયક જયપ્રકાશ નારાયણ. જેપીએ ઈન્દીરા ગાંધીને સત્તાથી ઉખાડી નાંખવા માટે સંપૂર્ણ ક્રાન્તિનો નારો આપ્યો. જેપી આંદોલનને જબરદસ્ત જનસમર્થન મળ્યું. આ સ્થિતિમાં ઈન્દીરા ગાંધીએ ઈમરજન્સી લાગૂ કરી. વિરોધી નેતાઓને જેલમાં બંધ કરી દેવાયા.લોકોએ વિરોધ કર્યો અને 1977માં જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી. મોરારજી દેસાઈના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકાર બની, પણ આ સરકાર ચૌધરી ચરણસિંહની મહત્વકાંક્ષાના કારણે લાંબી ચાલી નહીં.

ઈન્દીરા ગાંધી ખરાબ રીતે હાર્યા ફરી સત્તા સ્થાને આવ્યા અને શીખ અંગરક્ષકો દ્વારા તેમની નિર્મમ હત્યા કરવામાં આવી. રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. 1987માં બોફોર્સ કાંડમાં રાજીવ ગાંધી સામે ભ્રષ્ટાચારના આરોપ મૂકવામાં આવ્યા. વિશ્વનાથ પ્રતાપસિંહે રાજીવ ગાંધી વિરુદ્વ મોરચો ખોલ્યો અને વડાપ્રધાન બની ગયા. ત્યાર બાદ નરસિંહરાવની સરકાર આવી. વાજેપયી-અડવાણીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિર આંદોલન શરૂ કર્યું અને વાજેપયી ભાજપના પ્રથમ વડાપ્રધાન બન્યા. ફરી એક વખત સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનો વિજય થયો અને મનમોહનસિંહને વડાપ્રધાન બનાવાયા. 10 વર્ષ મનમોહન સરકાર ચાલી.

2004માં વિજય બાદ કોંગ્રેસના નેતાઓની ઈચ્છા હતી કે સોનિયા ગાંધી વડાપ્રધાન બને પણ શરદ પવારે બળવો કર્યો. શરદ પવારને પીએમ બનવું હતું. તે વખતના ગાંધી પરિવારના નજીકના નેતાઓએ સોનિયા ગાંધીના વિદેશ કૂળનો મુદ્દો ઉભો કર્યો. શરદ પવારે બળવો કરી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ની રચના કરી. પણ એનસીપી મહારાષ્ટ્ર પુરતી જ સીમીત રહી ગઈ. દેશના અન્ય રાજ્યોમાં એનસીપી અસર છોડી શકી નહીં.

2014માં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ મૂક્ત ભારતનો નારો આપ્યો. અને આ નારાએ જબરદસ્ત અસર કરી અને ભાજપની સંપૂર્ણ બહુમતિ સાથેની સરકાર બની અને તેનું પુનરાવર્તન 2019માં પણ થયું. 2014-2019માં કોંગ્રેસની એટલી બધી દારુણ સ્થિતિ બની કે વિપક્ષનો દરજ્જો પણ મળી શક્યો નહીં.

2019ની લોકસભાની ચૂંટણીમાં કારમા પરાજ્ય બાદ કોંગ્રેસમાં મહામંથન ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીને સિનિયર કોંગ્રેસીઓ ગાંઠતા નથી, ગણકારતા નથી. રાહુલ ગાંધીની સામે તેઓ શરૂથી જ હતા અને હાલ છે. રાહુલ ગાંધીએ સિનિયર કોંગ્રેસીઓ પર ભડાશ પણ કાઢી છે. સિનિયર કોંગ્રેસીઓની તાકાત આજે પંચાયત ચૂંટણી જીતવાની પણ નથી પરંતુ સોનિયા ગાંધીના દરવાજે પડ્યા રહીને યેનકેન રીતે ખુરશી પર ચીટકી રહેવા માંગી રહ્યા છે.

રાજીનામા પ્રશ્ને રાહુલ ગાંધીના અડગ રહેવાના કારણે અને સિનિયર કોંગ્રેસીઓ દ્વારા કરવામાં આવી રહેલા કારસ્તાનોથી કોંગ્રેસમાં ફરી એક વાર ભંગાણની સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે. સિનિયર કોંગ્રેસી નેતાઓ ગમે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં બે તડાં પાડી તેવી હિલચાલ ચાલી રહી છે. રાહુલ ગાંધી કોંગ્રેસના સંગઠનને બેઠું કરવા માટે છૂટ્ટોદૌર માંગી રહ્યા છે અને સિનિયર કોંગ્રેસીઓ વાયા સોનિયા ગાંધી રાહુલ ગાંધીના માર્ગને અવરોધી રહ્યા હોવાનું કોંગ્રેસના વર્તુળો જણાવી રહ્યા છે.

નજીકનાં ભવિષ્યમાં જ કોંગ્રેસમાં મોટાપાયા પર કડાકા-ભડાકા થઈ શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.  કોંગ્રેસમાં ત્રીજી વાર ભંગાણના વર્તારા  સર્જાયા છે. કોંગ્રેસની કાયાપલટ કરવા માંગતા રાહુલ ગાંધી વર્સીસ સિનિયર કોંગ્રેસીઓનો ડખો અંતે તો છૂટાછેડા સુધી પહોંચી શકે છે તેવી આશંકાના કારણે કોંગ્રેસમાં ઘમાસાણ સર્જાયેલું છે. હાલમાં મુદ્દો એ છે કે રાહુલ ગાંધી વિરુદ્દનો ઝંડો કોના હાથમાં પકડાવવામાં આવે. ઈતિહાસમાં લોહિયા, જેપી, વિશ્વનાથ પ્રતાપસિંહ અને શરદ પવાર હતા તો રાહુલ વિરુદ્વ કોણ જાહેરમાં આવે છે તેને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે.