પાંચમી જુલાઈએ ગુજરાત રાજ્યસભાની ખાલી પડેલી બે સીટ માટે પેટાચૂંટણી યોજવામાં આવનારી છે. ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્યોને લઈ કોંગ્રેસ દ્વારા તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોને આવતીકાલે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પર અચૂક ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે હોદ્દાઓ પરથી રાજીનામું ધરી વિવાદમાં ઘેરાયેલા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તથા તેમની સાથેના ધારાસભ્ય ભરતસિંહ ઠાકોર અને ધવલસિંહ ઠાકોરને કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફે વોટીંગ કરવા માટે વ્હીપ આપવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.
કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું કે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આવતીકાલે ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આવતીકાલે કોંગ્રેસના ચિહ્ન પર ચૂંટાયેલા દરેકે દરેક ધારાસભ્યને રાજ્યસભાની ચૂંટણીમાં વોટ આપવા માટે કોંગ્રેસ તરફથી સત્તાવાર વ્હીપ(આદેશ) આપવામાં આવશે.
મનિષ દોષીએ સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસના ચિહ્ન પર ચૂંટાયેલા ધારાસભ્યોમાં તમામનો સમાવેશ થઈ જાય છે. એટલે કોઈને અલગથી આદેશ આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અલ્પેશ ઠાકોર અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા હાઈકોર્ટમાં જાતે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેઓ કોંગ્રેસમાં છે અને માત્ર હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે એટલે આપોઆપ તેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે તેમને પણ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં વોટ આપવા માટે વ્હીપ આપવામાં આવશે. આ સાથે તેમની સાથેના અન્ય ધારાસભ્યોને પણ આવી જ રીતે કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં વોટ આપવા માટે વ્હીપ આપવામાં આવશે.