કોંગ્રેસની ધમાચકડીમાં હાર્દિક પટેલનું હવે શું? રાહુલ ગાંધીના ગૂંચવાયેલા કોકડાથી ભારે ફટકો

પાછલા બે મહિનાથી રાહુલ ગાંધીના રિસામણા ચાલી રહ્યા છે. રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ બિલ્કુલ ફનાફાતીયા થવા તરફ જઈ રહી છે. કોંગ્રેસીઓ નોન-ગાંધીને પ્રમુખ પદે જોવા ઈચ્છતા નથી, તો સિનિયર નેતાઓ રાહુલ ગાંધીને જરા પણ ફાવવા દેવા માંગતા નથી. આ સ્થિતિમાં ગુજરાતમાંથી પાટીદાર સમાજના યુવા નેતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ખ્યાતિ મેળવેલા હાર્દિક પટેલની સ્થિતિ શું છે તે અંગે તરેહ-તરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસીઓ તેમને રાજીનામું પરત ખેંચી લેવા માટે રજૂઆતો કરી રહ્યા છે, પત્રો લખી રહ્યા છે, તેમની તરફેણમાં રાજીનામા આપી રહ્યા છે અને લોહીથી પત્રો પણ લખી રહ્યા છે. આ બધા રાજકીય દાવપેચમાં કોંગ્રેસની સ્થિતિ અત્યંત કફોડી થઈ રહી છે. આગવાનો, હોદ્દેદારો અને કાર્યકરોમાં મોટાપાયા પર હતાશા અને નિરાશા વ્યાપેલી જોવા મળી રહી છે. રાહુલ ગાંધીએ નોન ગાંધીને પ્રમુખ બનાવવાની ઓફર કર્યા બાદ કેટલાક નામો ચર્ચામાં આવી રહ્યા છે. તેમાં સુશીલ કુમાર શિંદે, એન્ટોની, વીરપ્પા મોઈલી, અશોક ગેહલોતના નામ ચર્ચાઈ રહ્યા છે. સિનિયર કોંગ્રેસીઓની ઈચ્છા છે કે રાહુલ ગાંધીના સ્થાને પ્રિયંકા ગાંધીને પ્રમુખ બનાવવામાં આવે પણ રાહુલ ગાંધીએ ગાંધી પરિવાર સિવાયની વ્યક્તિનું નામ પ્રમુખ પદ માટે રજૂ કરવા મહેતલ આપી છે અને આ મહેતલની મિયાદ ખતમ થવા તરફ છે. સિનિયર કોંગ્રેસીઓએ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને યુપીમાં કોંગ્રેસનો જનાજો કાઢ્યો હોવાથી રાહુલ ગાંધીએ જાહેરમાં તેમના પર રોષ ઠાલવી ચૂક્યા છે. સિનિયર કોંગ્રેસીઓએ રાહુલ ગાંધીના રોડ મેપને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દેતા કોંગ્રેસમાં ભારે ઉથલપાથલ સર્જાયેલી છે.

જે હોય તે કોંગ્રેસના ગૂંચવાયેલા કોકડાથી મોટાપાયા પર નુકશાન થઈ રહ્યું છે. કોંગ્રેસીઓ દિશાવિહિન બની ગયા છે. જેને મનમાં આવે તે રીતે કામ થઈ રહ્યું છે. આની અસર કોંગ્રેસમાં જોડાયેલા જુસ્સાવાળા કાર્યકરો અને યુવા નેતાઓ પર પડી રહી છે.

રાહુલ ગાંધીની ધમાચકડીમાં ગુજરાતના યુવા અને તરવરીયા નેતા હાર્દિક પટેલના રાજકીય ભાવિની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. હાર્દિક પટેલને સિનિયર કોંગ્રેસીઓ સહેજ પણ ચાલવા દેવા માંગતા નથી, પણ રાહુલ ગાંધીના સીધા આશિર્વાદથી હાર્દિક પટેલે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસમાં કાઠું કાઢ્યું છે. હાર્દિક પટેલને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની ચર્ચા પણ ચાલી હતી પણ હવે રાહુલ ગાંધીના એપિસોડથી આ મામલો પણ ઘોંચમાં પડી ગયો છે અથવા તો અભરાઈએ ચઢાવી દેવામાં આવ્યો હોવાનું માલૂમ પડી રહ્યું છે.