અશોક ગેહલોત-કમલનાથને બચાવી લેવાના સૂત્રધાર તરીકે ગુજરાતના સિનિયર કોંગ્રેસી નેતા છે?

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારો હોવા છતાં કોંગ્રેસનો કારમો પરાજ્ય થયો હતો. બન્ને સ્ટેટમાં કોંગ્રેસ સમખાવા પુરતી પણ સીટ જીતી શકી નથી. મધ્યપ્રદેશમાં એક સીટ અને તે પણ કમલનાથના પુત્રની જીતી છે. એવું તો શું બની ગયું કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોંગ્રેસના ભૂંડા હાલ થયા?  શા માટે અશોક ગેહલોત અને કમલનાથ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી રહ્યા નથી. રાહુલ ગાંધીની વેદના બાદ કમલનાથે જાહેરમાં રાજીનામાની ઓફર કરી પણ આપ્યું નથી.

અશોક ગેહલોત અને સચિન પાયલોટને રાહુલ ગાંધીએ મુલાકાત પણ આપી નથી. હવે કેટલાક કોંગ્રેસીઓ ભૂંડી અને અતિ ભૂંડી રીતે હારેલા અશોક ગેહલોતને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદે પ્રોજેક્ટ કરી રહ્યા છે. સિનિયર કોંગ્રેસીઓ કોઈ પણ ભોગે રાહુલ ગાંધીને ફાવવા દેવા માંગતા નથી, એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. રાહુલ ગાંધીને જવું હોય તો જાય પણ સિનિયર કોંગ્રેસીઓ જરા સરખી રીતે પણ પોતાની જગ્યાએથી ખસવા તૈયાર નથી. ખુરશી પર ચીટકી રહેવા માટે સિનિયર કોંગ્રેસીઓ રાહુલ ગાંધીની વેદનાને પણ કોરાણે મૂકી રહ્યા છે.

સિનિયર કોંગ્રેસીઓ સ્પષ્ટપણે માને છે કે ભલેને રાહુલ ગાંધીએ પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપ્યું હોય પણ અમારી જવાબદારી નથી. કોંગ્રેસની હાર માટે સિનિયર કોંગ્રેસીઓ કોઈ પણ રીતે જવાબદાર નથી. ખાસ કરીને સિનિયર કોંગ્રેસીઓને લીડર તરીકે ગુજરાતના નેતાનું નામ આવી રહ્યું છે. રાહુલ ગાંધીને લોકસભાની ચૂંટણીમાં ઉંધો પાડવા માટે ગુજરાતના સિનિયર કોંગ્રેસી નેતાએ આખી બાજી ગોઠવી હતી. ભાજપના કેટલાક નેતા કહે છે કે જ્યાં સુધી ગુજરાતના આ સિનિયર નેતા છે ત્યાં સુધી ગુજરાત તો હવે કેન્દ્રમાં પણ ભાજપને આવનાર 25-30 વર્ષ સુધી કોઈ માઈનો લાલ હરાવી શકવાની તાકાત રાખતો નથી.

અશોક ગેહલોત અને કમલનાથે પણે આ નેતાના ઈશારે જ પોતાના રાજીનામા આપ્યા નથી, માત્ર વાતો કરી છે અને પાર્ટીને ડરાવી પણ છે. કમલનાથે તો વડાપ્રધાન મોદીની મુલાકાત લીધી હતી અને તેની પાછળનું રાજકીય ગણિત એમ કહે છે કે કમલનાથે રાહુલ ગાંધીને ડરાવ્યા હતા કે જો કશુંક કરશો તો એમપીની કોંગ્રેસ સરકાર પડી ભાંગશે.

રાજસ્થાનમાં અશોક ગેહલોત સાથે ધારાસભ્યો નથી અને ધારાસભ્યો જ નહી રાજસ્થાનની પ્રજા પણ સચિન પાયલોટને સીએમ પદે જોવા માંગે છે. પરંતુ ગુજરાતના સિનિયર કોંગ્રેસી નેતા સાથે અશોક ગેહલોતની લોબી ચાલે છે અને સીધા સંપર્કો સોનિયા ગાંધી સાથે હોવાથી અશોક ગેહલોતને ઓક્સિજન પર ઓક્સિજન મળી રહ્યું છે.

અશોક ગેહલોતને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાનો દાવ પણ ગુજરાત સિનિયર કોંગ્રેસી નેતાના ઈશારે જ રમવામાં આવી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાના બદલે ડખા અને જૂથવાદમાં ખૂંપાવી દઈને સિનિયર કોંગ્રેસી નેતા દિલ્હીમાં આરામથી કોંગ્રેસના નેતાઓને રમાડી રહ્યા છે. હવે ગાંધી પરિવારમાં પણ ડખો ઉભો કરી દેવામાં આવ્યો છે. માતા વિરુદ્વ પુત્ર અને ભાઈ વિરુદ્વ બહેનને કરી દેવાની રાજરમત અને પ્રપંચો કરવામાં આવ્યા છે.