બજેટ-2019: 10 કરોડથી વધુની આવક પર લાગશે ભારે ટેક્સ, 2.5 લાખની આવકવેરા છૂટની મર્યાદા વધશે

આગામી સામાન્ય બજેટમાં વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા મર્યાદા 2.5 લાખથી વધી શકે છે. આની સાથે જ 10 કરોડ રૂપિયા કરતાં વધારાની વાર્ષિક આવક પર ભારે ટેક્સ એટલે કે 40 ટકા ટેક્સ ચૂકવવાની જોગવાઈ કરી શકાય છે. કેપીએમજીના સરવેમાં અનુમાન કરવામાં આવ્યું છે.  કેપીએમજી-ઈન્ડીયાના 2019-20ના બજેટ પહેલાં કરવામાં આવેલા સરવેમાં વિભિન્ન ઉદ્યોગોના 226 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.

આ સરવેમાં 74 ટકા લોકોએ મત આપ્યો હતો કે વ્યક્તિગત આવકવેરાની છૂટ 2ય5 લાખ રૂપિયા છે તેમાં વધારો કરવામાં આવશે. જ્યારે 58 લોકોનું કહેવું હતુ કે સરકાર 10 કરોડ રૂપિયાની આવક ધરાવતા સુપર રીચ લોકો પર 40 ટકાના ઉંચા દર ટેક્સ લાગૂ કરવા પર વિચારણા કરી શકે છે.

સરવેમાં 13 ટકા લોકોનું કહેવું હતું કે વારસાઈને પાછી લેવામાં આવી શકે છે. જ્યારે 10 ટકા લોકોનું કહેવું હતુ કે સંપત્તિ કર-એસ્ટેટ ટેક્સને ફરીથી લાગૂ કરવાની જરૂર છે. ઘરોની માંગને વધારવા માટે 65 ટકા લોકોનુ માનવું હતું કે બજેટમાં માલિકી ધોરણના આવાસ પર વ્યાજની મર્યાદાને બે લાખ કરતા વધારવાની જરૂર છે.

આ સરવેમાં 51 ટકા લોકોનું કહેવું હતું કે સરકાર આવાસ લોનની મૂળ રકમનાં પૂનર્ભૂગતાન અંગે કલમ-80 સી હેઠળ હાલ 1.5 લાખ રૂપિયાની મર્યાદામાંથી અલાયદો ફાળો ફાળવી શકે છે.

જોકે, 53 ટકા લોકોનું માનવું હતું કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ પાંચ જુલાઈએ રજૂ થનારા બજેટમાં પ્રત્યક્ષ કરમાં કોઈ ફેરફાર કરશે નહીં. જ્યારે 46 ટકા લોકોનું કહેવું હતું કે કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સને ઘટાડીને 25 ટકા કરવામાં નહીં આવવું જોઈએ. કંપનીઓએ કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની માંગ કરી છે.