સુરતના સિનિયર કોંગ્રેસી નેતા કરી શકે છે ભાજપ જોઈન? ટૂંક સમયમાં કડાકા-ભડાકા?

ગુજરાત કોંગ્રેસમાં જે પ્રકારે કાર્યકરો અને આગેવાનોમાં હતાશા અને નિરાશાનું વાવાઝોડું ફૂંકાયું છે અને જે પ્રકારે જૂથબંધી ચાલી રહી છે તેની અડફેટમાં સુરત પણ આવી શકે એમ છે. સુરત કોંગ્રેસના સિનિયર નેતા કોંગ્રેસ છોડવાની વેતરણમાં હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

હાલમાં આ સિનિયર નેતા વિદેશ યાત્રાએ જવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસમાં ચાલી રહેલા યાદવસ્થળી અને કોંગ્રેસના સંગઠનના નીકળેલા જનાજાથી ખાસ્સા નારાજ ચાલી રહ્યા છે. વર્ષોથી સુરતમાં કોંગ્રેસના સંગઠનમાં સક્રીય રહેલા અને સુરત મહાનગરપાલિકામાં હોદ્દા ભોગવી ચૂકેલા નેતા દ્વારા આકરો નિર્ણય લેવામાં આવે તેવી ચર્ચા કોંગ્રેસમાં ચાલી રહી છે.

કોંગ્રેસ વર્તુળો મુજબ પ્રદેશ કક્ષાના નેતા સાથે સક્રીય રહેલા આ નેતાએ હવે પ્રદેશ નેતાની સાથેનો ધરોબો ઓછો કરી નાંખ્યો છે. સુરતમાં તેમના સમર્થકોની સંખ્યા મોટી છે. કોંગ્રેસ સૂત્રો મુજબ કોંગ્રેસના સિનિયર નેતા દ્વારા આકરા નિર્ણય રૂપે તેઓ ભાજપમાં એન્ટ્રી કરે તેવું મનાય રહ્યું છે. તેમની સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાઈ જાય તો આશ્ચર્ય લેખી શકાશે નહીં. સુરતમાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. તેઓ સુરત કોંગ્રેસની કામગીરીથી પણ ખાસ્સા નારાજ ચાલી રહ્યા હોવાનું કોંગ્રેસ વર્તુળો જણાવી રહ્યા છે.