મોરબી: માળીયા-મિયાણા પોલીસે જાહેરમાં યુવાનને માર્યો ઢોર માર, વીડિયો વાયરલ

મોરબીના માળીયા-મિયાણાની પોલીસને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસ દ્વારા યુવાનને જાહેરમાં ઢોર માર મારવામા આવી રહ્યો છે. એક પીએસઆઈ અને ચાર પોલીસવાળા યુવાન પર લાકડી ફટકાથી તૂટી પડ્યા હોવાનું વીડિયોમાં જણાય છે.

માહિતી મુજબ મોરબીના માળીયા-મિયાણાના પીએસઆઈ જે.ડી.ઝાલા અને તેમની સાથે ત્રણ પોલીસવાળા યુવાન પર લાકડી લઈને તૂટી પડ્યા હોવાનું જણાય છે. યુવાનને એટલી હદ સુધી માર મારવામાં આવી રહ્યો છે કે તે સહન કરી શક્તો નથી અને જમીન પર પડી જાય છે. પીએસઆઈની નજર મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરી રહેલા યુવાન પર પડતાં જ પીએસઆઈ તેને પણ બંધ કરવાનું ફરમાન કરે છે પણ યુવાન વીડિયો શૂટ કરી લે છે.

પીએસઆઈ ઝાલા અંગે કહેવાય છે તેમની વિરુદ્વમાં માળીયા-મિયાણામાં નવલખી ડીઝલ ચોરીના આરોપીને રજૂ કરવા માટે લાંચ માંગવાની તપાસ એસીબી કરી રહી છે. પીએસઆઈ ઝાલાના નામે અનેક પ્રકારના વિવાદો હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. સરાજાહેર યુવાન પર લાકડી લઈને તૂટી પડેલી પોલીસને જોઈને એવું લાગે છે કે ગુજરાતમાં જંગલ રાજ કાયમ થઈ રહ્યું છે.