શનિવારે લીડ્સ ખાતે રમાયેલી વર્લ્ડ કપની મેચમાં શાહિન આફ્રિદીની જોરદાર બોલિંગને કારણે અફઘાનિસ્તાનની ટીમ 9 વિકેટે 227 રન સુધી સિમિત રહી હતી અને પાકિસ્તાન સામે 228 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહેમાન, મહંમદ નબી અને રાશિદ ખાનની જોરદાર બોલિંગને કારણે હારની નજીક પહોંચેલા પાકિસ્તાનને ઇમાદ વસીમે 54 બોલમા 49 રનની ઇનિંગ રમીને પાકિસ્તાનને 3 વિકટે જીતાડ્યું હતું.
ટોસ જીતીને પહેલો દાવ લેવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને પાંચમી ઓવરમાં સતત બે બોલમાં કેપ્ટન ગુલબદીન નૈબ અને હશમતુલ્લાહ શાહિદીની વિકેટ ગુમાવતા તેમનો સ્કોર બે વિકેટે 57 રન થયો હતો. બીજા ઓપનર રહમત શાહે ક્રિઝ પર પુરતો સમય ગાળ્યો હોવા છતાં તે મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયો હતો અને 43 બોલમાં 35 રન કરીને તે આઉટ થયો હતો, તે પછી અસરગર અફઘાન અને ઇકરામ અલીખીલે મળીને ચોથી વિકેટની ભાગીદારીમાં 64 રન ઉમેર્યા હતા. જો કે આ બંને બે ઓવરના ગાળામાં માત્ર 4 રનના ઉમેરામાં આઉટ થયા હતા અને અફઘાનિસ્તાન ફરી સંકટમાં આવ્યું હતું. સારી બેટિંગ કરી રહેલો મહંમદ નબીએ પોતાની વિકેટ જાણે કે કે ફેંકી દીધી હતી. જો કે તે પછી નઝીબુલ્લાહે રમેલી સારી ઇનિંગને કારણે અફઘાનિસ્તાન 227 રન સુધી પહોંચ્યું હતું.
228 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાનની શરૂઆત સારી રહી નહોતી અને મેચના બીજા જ બોલે મુજીબ ઉર રહેમાને ફખર ઝમાનને આઉટ કરી દીધો હતો. ઇમામ ઉલ હક અને બાબર આઝમે તે પછી 72 રનની ભાગીદારી કરી હતી ત્યારે મહંમદ નબીએ બે ઓવરના ગાળામાં બંનેની વિકેટ ઉપાડીને અફઘાનિસ્તાનને ફરી મેચમાં આણ્યું હતું તે પછી મહંમદ હાફિઝ અને હેરિસ સોહેલે મળીને 40 રનની ભાગીદારી કરી હતી ત્યારે ફરી એકવાર મુજીબ ઉર રહેમાને હાિફઝને પોઇન્ટ પર કેચ આઉટ કરાવીને અફગાનિસ્તાનને બ્રેક થ્રુ અપાવ્યો હતો અને પાકિસ્તાનનો સ્કોર 4 વિકેટે 121 રન થયો હતો. તે પછી સોહેલ અને સરફરાઝ અહેમદે મળીને 21 રનની ભાગીદારી કરી તે પછી રાશિદ ખાને સોહેલને આઉટ કરતાં પાકિસ્તાને 142 રનના સ્કોર પર પાંચમી વિકેટ ગુમાવી હતી. તે પછી સ્કોર 156 પર પહોંચ્યો ત્યારે પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહેમદ બે રન લેવાના પ્રયાસમાં રન આઉટ થયો હતો. તે પછી ઇમાદ વસીમ અને શાદાબ ખાન વચ્ચે 50 રનની ભાગીદારી થઇ હતી. શાદાબ11 રન કરીને આઉટ થયો હતો જો કે અફઘાનિસ્તાન કેપ્ટન 46મી ઓવર ફેંકવા આવ્યો તે ઓવરમાં 18 રન આવ્યા અને બાજી અફઘાનિસ્તાનના હાથમાંથી સરકી ગઇ હતી અને અંતે 49.4 ઓવરમાં તેમણે લક્ષ્યાંક કબજે કરીને 3 વિકેટે જીત મેળવી હતી.