માત્ર તાળી પાડવાથી બાળક જન્મી જતું નથી, કોંગ્રેસીઓએ આ વાત સમજી લેવાની જરૂર છે

વાર્તા જૂના જમાનાની છે. ખેડુતની પત્ની ખૂબ જ સ્વરૂપવાન હતી. સૌંદર્યનો ખજાનો હતી. પાણી પીએ તો ગળામાં ઉતરતું ટીપુંય દેખાતું. ખેડુત પત્નીને જોઈ જોઈને હરખાય અને મનોમન કહેતો જાય આવી પત્નીને કાંઈ અડકાય. તે પત્નીને હર પળે નિરખ્યા કરે અને પોરષાતો જાય.

ખેડુત હવે પત્નીને જોઈને તાળીઓ પાડે અને કહેતો જાય કે બસ હવે જલ્દીથી દિકરો આપ કે દિકરી આપ. તાળી પાડીને દિકરા-દિકરી બોલવાનું ખેડુતનો રોજનો ક્રમ બની ગયો. પત્ની પણ ખેડુતની આવી અક્કલના ઓથમીર જેવી હરકતથી કંટાળી જતી. માત્ર તાળી પાડવાથી દિકરો કે દિકરી થોડીક જ અવતરે?

ખેતરે જાય નહીં અને નોકરને ખેતરનું કામ સોંપી દે. પત્નીને જોયા કરે અને તાળી પાડી દિકરો આપ કે દિકરી આપ કહ્યા કરે. એક દિવસ નોકરની છટકી. નોકરે શેઠને ખેતરે મોકલી આપ્યો. અને પછી જે બન્યું તે બન્યું બન્યું. નોકર કળા કરી ગયો. ખેતરેથી શેઠ પાછા ફર્યા તો નોકર બોલ્યો કે હવે તાળી પાડો કે તાળી નહીં પાડો, આ વર્ષે તો દિકરો કે દિકરી આવશે પાક્કું છે.

રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી અને વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ બેઠી થતી હોવાનું દેખાયું પણ લોકસભા આવતાં આવતાં કોંગ્રેસના ઘડીયાળના તમામ કાંટા ઉંધા ફર્યા. સિનિયર કોંગ્રેસીઓએ રાહુલ ગાંધીનો જનાજો કાઢ્યો. ઓછું હતું તેમ યુપીમાં પ્રિયંકા ગાંધીને સક્રીય કરી ભાજપને ફાયદો કરાવી આપ્યો. પ્રિયંકા ગાંધીને કારણે ભાજપને ઓછામાં ઓછી પંદર સીટ પર સીધો ફાયદો થયો. પ્રિયંકાના પ્રચાર સામે ભાજપે વળતો પ્રચાર કર્યો જ ન હતો. પ્રિયંકાને યુપીમાં પણ સિનિયર કોંગ્રેસીઓએ સક્રીય કરી હતી.

એકલા રાહુલ ગાંધી જ લોકસભાની ચૂંટણીમાં કામ કરતા જણાયા. કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉભા કરવામાં આવેલા મુદ્દાઓને લોક સુધી પહોંચાડવામાં દરેક રાજ્યની કોંગ્રેસ સમિતિ નિષ્ફળ રહી હતી. જે પ્રકારે દેખાવો-પ્રદર્શનો થવા જોઈએ તેમ થયું ન હતું. એવું લાગ્યા કર્યું કે કોંગ્રેસના સિનિયર નેતાઓએ શરૂથી જ રાહુલ ગાંધીને પાડી દેવાની રાજરમત રમી હતી અને તેમાં તેઓ સફળ રહ્યા હતા. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને હાથો બનાવીને સિનિયર કોંગ્રેસીઓએ રાહુલ ગાંધીની ભવ્ય ઠાટડી કાઢી.

રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધીનો આક્રોશ વ્યાજબી છે. કોંગ્રેસના સિનિયર નેતાઓ લોકો વચ્ચેની પકડ ગુમાવી ચૂક્યા છે. લોકસંપર્ક નથી, લોકો તેમને પસંદ કરતા નથી. માત્ર અને માત્ર ગાંધી પરિવારની નિસરણીથી બધું પાર કરવાની જૂની અને ખોટી આદત પડી ગઈ છે. સિનિયર નેતાઓને પ્રજાએ તેમનું સ્થાન બતાવી દીધું છે.

સમગ્ર દેશમાં ભાજપ સરકાર સામે મોટા પાયા પર અસંતોષ, આક્રોશ હતો. ગુજરાતમાં તો કોઈ ક્ષેત્ર બાકી ન હતું કે આંદોલન ન થયા હોય પણ કોંગ્રેસના નેતાઓ વિપક્ષની ભૂમિકા ભજવવામાં પણ સરેઆમ નિષ્ફળ રહ્યા. લોકોના આક્રોશને વોટમાં તબદીલ કરાવી શક્યા નથી, અથવા તો જાણી જોઈને આવું કર્યું નથી. અમિત ચાવડાએ પ્રમુખ તરીકે ક્યાં અને કેટલો પ્રચાર કર્યો તે બધા કોંગ્રેસીઓ જાણે છે. અહેમદ પટેલે તમામ સ્ટાર પ્રચારકોને ખડકલો ભરૂચમાં કરી દીધો. ચાલુ ચૂંટણીમાં ભાજપના કેટલાય ઉમેદવારોએ પ્રચાર કરવાનું માંડી વાળ્યું હતું. કાર્યકરો દ્વારા ચૂંટણી લડાઈ. જ્યારે કોંગ્રેસના કાર્યકરો ચૂંટણી કાર્યલાય, બૂથના રૂપિયા અને ટેબલના રૂપિયા માટે લડતા-ઝઘડતા અને એકબીજાની કાપાકાપી કરતા જોવા મળ્યા.

કોંગ્રેસીઓને પેલા તાળી પાડતા ખેડુતની જેમ એવું થયા કરે છે કે લોકો ભાજપથી થાકી જશે અને વિકલ્પમાં કોંગ્રેસને જ પસંદ કરશે અને આમને આમ ચૂંટણી જીતી જવાશે. કોંગ્રેસીઓ ભીંત ભૂલી રહ્યા છે. બગાસા ખાતું પતાસું આવશે એવા ભ્રમમાં રહેતા કોંગ્રેસીને જણાવવાનું મન થાય કે પેલા ખેડુતને જેમ તાળી પાડવાથી વિજય નામું બાળક થતું નથી. એના માટે મહેનત કરવી પડે છે. પ્રજાની પડખે રહેવાનું હોય છે. લોકોને કોંગ્રેસ તરફ વાળવાના પ્રોગ્રામો કરવાના હોય છે. 130 વર્ષ જૂની પાર્ટીને સંગઠન લેવલે વેગવંતી કરવાની જરૂર છે. નહિંતર થશે શું કે પેલા નોકરની જેમ અન્ય કોઈ પાર્ટી કોંગ્રેસનો વિકલ્પ બની જશે અને કોંગ્રેસની રહી સહી આબરૂ પણ ભસ્મીભૂત બનતા વાર લાગશે નહીં.