એક દેશ-એક રેશન કાર્ડ: દેશના કોઈ પણ ખૂણેથી ખરીદી શકાશે અનાજ

કેન્દ્રીય ખાદ્ય-અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે દેશમાં એક જ રેશન કાર્ડ લાગૂ કરવાની યોજના પર સરકાર કામ કરી રહી છે. રાજ્યસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પાસવાને કહ્યું કે જાહેર પુરવરઠા વ્યવસ્થાને સંપૂર્ણ રીતે કેશલેસ બનાવવા માટે સરકાર વન નેશન, વન રેશન કાર્ડની સ્કીમ પર કામ કરી રહી છે. આમાં આર્થિક રીતે કમજોર લોકોને દેશના કોઈ પણ ખૂણામાંથી રેશન કાર્ડ પર અનાજ હાંસલ કરવાની સુવિધા મળી રહેશે.

રામ વિલાસ પાસવાને એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિર્ધારિત લક્ષ્ય અનુસાર 2030 સુધીમાં દેશને ગરીબીમાંથી મૂક્ત કરવા માટે ખાદ્ય સુરક્ષા અધિનિયમ-2013 પ્રમાણે શહેરી ગરીબી વિસ્તારોમાં 50 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 75 ટકા વસ્તીને પીડીએસ(પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ) ના દાયરામાં લાવવા માટે સરકાર આગળ વધી રહી છે.

તેમણે કહ્યું કે દેશની એક તૃતિયાંશ વસ્તી પીડીએસના દાયરામાં આવશે અને તેમને બે રૂપિયા કિલો ઘઉં અને ત્રણ રૂપિયા કિલો ચોખા આપવામાં આવશે.

પીડીએસમાં વિતરણ સંબંઘી કોઈ પણ પ્રકારની ખામીનો ઈન્કાર કરી તેમણે જણાવ્યું કે આ વ્યવસ્થા સંપૂર્ણ રીતે કેશલેસ હોવાના કારણે આમાં હેરાફેરી થવાની કોઈ શક્યતા નથી. પાસવાને સ્પષ્ટ કર્યું કે પીડીએસના દાયરામાં આવનારા લાભાર્થીઓને આધાર કાર્ડ બતાવવાની જરૂરીયાત રહેશે નહીં.