સ્વીટી-સ્વીટી લીચીને કડવી કરવાનું ફ્રુટ માફીયાઓએ ષડયંત્ર તો રચ્યું નથી ને? જાણો આખી હકીકત…

રસીલી લીચીને કડવી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શું ખરેખર લીચીના કારણે જ બાળકોમાં ચમકી તાવનો રોગ ઘર કરી ગયો છે? ઈન્સેફેલાટીસનો રોગ લીચીના કારણે થઈ રહ્યો છે? કેટલાક રિસર્ચમાં બિમાર માટે લીચીને કારણભૂત માનવામાં આવી રહી છે. આના કારણે ભ્રમની સ્થિતિ જન્મી જવા પામી છે. બિહાર અને કેન્દ્ર સરકારે આ મામલે હજુ સુધી કોઈ અધિકૃત વલણ સ્પષ્ટ કર્યું નથી. જોકે, લીચી અંગે ફેલાયેલી વાતોના કારણે લીચીના વેપારને ફટકો પડ્યો છે.

લીચીને ઈન્સેફેલાટીસ સાથે સાંકળી લેવામાં આવ્યા બાદ તેના વેચાણમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. લીચીનો પાક કરતા ખેડુતોનું કહેવું છે કે ફ્રુટ માફિયાઓ દ્વારા પાણીના ભાવે લીચીને ખરીદવા માટે આવી અફવા ફેલાવવામાં આવી રહી છે. જો લીચી જ ઈન્સેફેલાટીસનું કારણ હોય તો દિલ્હી, મુંબઈ, કોલકાતા, ગુજરાત અને અન્ય રાજ્યોના શહેરોના બાળકો કેમ માંદા પડી રહ્યા નથી. માત્ર દેશ જ નહીં વિદેશમાં પણ લીચીનું વેચાણ કરવામાં આવે છે, ત્યાં લીચીને લઈ આવો કોઈ રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું નોંધાયું નથી.

ખેડુતો કહે છે કે મુઝફ્ફરપુર અને લીચી એક બીજાના પર્યાય છે, એકબીજાની ઓળખ બની ગયા છે. શું આ ઓળખને ખતમ કરવાની સાજીશ કરવામાં આવી રહી છે? લીચીનો પાક તૈયાર થતાં જ તેના કારણે બિમારી ફાટી નીકળી હોવાનો હંગામો ઉભો કરી દેવામાં આવ્યો છે. આવી અફવાના કારણે તેના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. લીચીનો સોદો કાચો હયો છે. પાકી લીચીને વધારે દિવસો સુધી રાખી શકાતી નથી. હવે ખેડુતો પાણીના ભાવે લીચીને વેચી મારી રહ્યા છે. ફ્રુટ માફીયાના વેશમાં ધૂસેલા વેપારીઓ આનો ફાયદો ઉઠાવી રહ્યા છે. જો બે ત્રણ વર્ષ સુધી આવી જ સ્થિતિ રહી તો લીચીનો પાક લેતા ખેડુતો એક-એક કોડી માટે લાચાર બની જશે.

લીચીના ઉત્પાદનમાં વિશ્વભરમાં ચીન નંબર વન છે. ભારતનું સ્થાન બીજા નંબરે આવે છે. ભારતમાં 92 હજાર હેક્ટરમાં લીચીની ખેતી કરવામાં આવે છે. બિહાર ભારતનું સૌથી વધુ લીચી ઉત્પાદન કરતું રાજ્ય છે. અહીંયા અંદાજે 32 હજાર હેક્ટરમાં લીચીની ખેતી થાય છે એટલે કે બિહારમાં 40 ટકા ખેતી લીચીની થાય છે. બિહાર ઉપરાંત પ.બંગાળ, ઝારખંડ, યુપી, પંજાબ, ઉત્તરાખંડ, આસામ અને ત્રિપુરામાં લીચીની ખેતી થાય છે. પણ આ બધામાં મુઝફ્ફરપુરની શાહી લીચીનો કોઈ જવાબ નથી. દેશ-વિદેશ આ લીચીની માંગ છે. મુઝફ્ફરપુર ઉપરાંત વૈશાલી, પૂર્વી ચંપારણ, સમસ્તીપુર, બેગુસરાય અને ભાગલપુરમાં પણ લીચીની ખેતી થાય છે.

2017માં બિહારમાં ત્રણ લાખ મેટ્રીક ટન લીચીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. 2018-19માં બિહારમાં 137.27 લાખ રૂપિયાની લીચીની નિકાસ કરવામાં આવી હતી. બિહારમાં અંદાજે 50 હજાર ખેડુત પરિવાર લીચી થકી રોજી રોટી મેળવે છે. જો હવે લીચીને જ ટારગેટ કરવામાં આવી રહી છે તો હવે લીચીને પૂછશે કોણ?

નેશનલ લીચી સેન્ટરના નિર્દેશક ડો.વિશાલ નાથનું કહેવું છે કે રિસર્ચ બાદ આ વાત સાબિત થઈ છે કે લીચીમાં બિમારીના કોઈ તત્વ મોજુદ નથી. લેબોરેટરી ટેસ્ટમાં લીચીને ક્લિનચીટ આપવામાં આવી છે. લીચીમાં તો વિટામીન અને મિનરલ્સ છે. આધારભૂત પુરાવા વિના લીચીને આવી રીતે બદનામ કરવાની જરૂર નથી.

આ બધો બખેડો ત્યારથી શરૂ થયો કે જ્યારે અંગ્રેજી જર્નલ લેસેંટ ગ્લોબલ હેલ્થે એક રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આ રિસર્ચ રિપોર્ટમાં લીચીમાં મિથાઈલ સાઈક્લો પ્રોપાઈલ ગ્લાઈસિનના તત્વો હોવાનું કહેવાયું હતું અને આ તત્વ મગજને અસર કરતું હોવાનું જણાવાયું હતું. લીચીના બીજ અને આધી પાકેલી લીચી ખાવાથી શૂગર લેવલ ઓછું થાય છે અને મગજમાં સોજો આવી જાય છે. માણસ બેભાન થઈ જાય છે અને અંતે મૃત્યુ પામે છે. આ હાનિકારક તત્વ લીચીમાં નહીં પણ તેના બીજમાં મળી આવે છે.

હવે સવાલ એ થાય છે કે એવા કેટલા બાળકો છે કે જે લીચી સાથે તેના બીજ પણ ખાઈ જાય છે? જો લીચી ખાવાથી ઈન્સેફેલાટીસનો રોગ થાય છે તો અઢાર મહિનાના નાના બાળકને આ રોગ કેવી રીતે લાગૂ પડી ગયો? આ બાળકે તો લીચી ખાદ્યી પણ નથી. આ મામલે હજુ ઘણું રિસર્ચ કરવાનું બાકી છે. ઉતાવળે નિર્ણય કરાશે તો હજારો ખેડુતોના પરિવારો તહસ નહસ થઈ જશે. સરકારે ચોક્કસપણે આનું સચોટ રિસર્ચ કરવાનું રહે છે.