વડોદરામાં હેલ્મેટ અંગે મહિલા પોલીસને ટોકવાનું ભારે પડ્યું, 200 મીટર સુધી યુવકને રોડ પર ઘસડીને ધક્કો મરાયો

વડોદરામાં યુવકને હેલ્મેટ વિના બાઈક ચલાવી રહેલી મહિલા પોલીસને ટોકવાનું ભારે પડી ગયું. યુવકે મહિલા પોલીસને કહ્યું હતું કે જ્યારે સામાન્ય લોકો હેલ્મેટ વિના બાઈક ચલાવે છે તો પોલીસ દંડ ફટકારે છે અને તમે જ્યારે હેલ્મેટ વિના બાઈક ચલાવો છો તો એનું શું? આ સાંભળીને પોતાની ભૂલ માનવાના બદલે મહિલા પોલીસે યુવક પર રોષ ઠાલવ્યો હતો. યુવકને 200 મીટર સુધી ઘસડીને સાઈડ પર ફેંકીને ભાગી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો ખાસ્સો વાયરલ થયો છે.

રિપોર્ટ પ્રમાણે બે દિવસ પહેલાં વડોદરાના વાઘોડીયા વિસ્તારમાં પોલીસ દ્વારા હેલ્મેટ અંગેનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે યુવકને હેલ્મેટ વિના બાઈથ ચલાવવા બાબતે દંડ ફટકાર્યો હતો. આજે આ યુવક હેલ્મેટ પહેરીને બાઈક ચલાવી રહ્યો હતો. ત્યારે એક મહિલા પોલીસવાળી હેલ્મેટ વિના સ્કૂટર લઈને નીકળી હતી. આના કારણે યુવકે તેને ટોકી હતી અને પ્રશ્ન કર્યો હતો કે જ્યારે લોકો હેલ્મેટ નથી પહેરતા તો દંડ કરવામાં આવે છે અને તમે પોતે હેલ્મેટ કેમ પહેરતા નથી.

યુવક દ્વારા સવાલ કરવામાં આવતા મહિલા પોલીસવાળીએ હેલ્મેટ તૂટી ગયું હોવાનું બહાનું કર્યું હતું. યુવકે કહ્યું હતું કે તમે જુઠ્ઠું બોલી રહ્યા છો. મહિલા પોલીસવાળીને ગુસ્સો આવ્યો અને હાજર લોકોની વચ્ચે યુવકનો કોલર પકડી લીધો હતો. અન્ય પોલીવાળાની સાથે મળી યુવકને 200 મીટર સુધી ઘસડવામાં આવ્યો હતો.

જે સમયે યુવકને ધક્કો મારીને પોલીસવાળી ભાગી ત્યારે બાજુમાંથી પસાર થઈ રહેલા વડોદરા મહાનગરપાલિકાના ડમ્પરની નીચે આવતાં આવતાં યુવક બચી ગયો હતો. યુવકની જાન પણ જવાનો ખતરો હતો. પોલીસના આવા વર્તનના કારણે યુવક મહિલા પોલીસવાળી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે અડી ગયો અને નારેબાજી શરૂ કરી દીધી. લોકોએ પણ સાથ આપ્યો. યુવક ડમ્પરની નીચે સૂઈ ગયો. પોલીસે કાર્યવાહી કરવાની માંગ અંગે ખાતરી આપતા મામલે થાળે પડ્યો હતો.