લોકસભા ચૂંટણી બાદ પાટીદાર સમાજ અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ફરી એક વાર લોકસંપર્ક શરૂ કર્યો છે. ઠાસરા વિધાનસભામાં ડાકોર ધામમાં હાર્દિક પટેલે રણછોડ રાયના દર્શન કર્યા હતા અને સ્થાનિક યુવાનો સાથે લોકસંપર્ક કર્યો હતો.
હાર્દિક પટેલે આ ટાણે કહ્યું કે ભાજપ દ્વારા આરોપ મૂકવામાં આવે છે કે 70 વર્ષથી કોંગ્રેસે દેશને લૂંટ્યો છે. કોંગ્રેસ અંગે ભાજપ દ્વારા અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ત્યારે કહેવાનું મન થાય છે કે જો 70 વર્ષથી કોંગ્રેસ દેશને લૂંટ્યો હોય તો ભાજપ હિન્દુસ્તાનની સૌથી અમીર પાર્ટી કેવી રીતે બની ગઈ છે.
લોકસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના સંસદીય વિસ્તારોમાં પ્રચાર કર્યો હતો. કોંગ્રેસે હાર્દિકને સ્ટાર પ્રચારક બનાવ્યો હતો. હાર્દિક પટેલને કોંગ્રેસ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા રહી હતી. પરંતુ રાજીનામા અંગે રાહુલ ગાંધી અડગ રહેતા હાર્દિક અંગેનો નિર્ણય હવે ક્યારે લેવાશે તે એક પ્રશ્ન બની ગયો છે.