કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલા સૌગંધનામાથી કોંગ્રેસ સહિત ભાજપની છાવણીમાં ગરમાટો આવી ગયો છે. કોર્ટમાં કરેલી એફિડેવિટમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે તેણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. તે પોતે હજુ પણ કોંગ્રેસમાં જ છે.
લોકસભાની ચૂંટણી વખતે ગુજરાત કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેનારા રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હાઈકોર્ટમાં કહ્યું છે કે કોંગ્રેસને છોડી જ નથી. હાલમાં પણ કોંગ્રેસનો સભ્ય છું. સોશિયલ મીડિયા પર રાજીનામાની જાહેરાત કરવામાં આવી છે અને તેને કોઈ પણ રીતે સત્તાવાર ગણવાની જરૂરીયાત રહેતી નથી. કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કરેલી અરજી અયોગ્ય અને એક તરફી છે.
ગુજરાત કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની અરજી કરી છે અને તે અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. એફિડેવિટમાં અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે મેં રાજીનામું આપ્યું નથી, રાજીનામું આપ્યું હોય તો તેને સ્વીકારવામાં આવે છે, પણ મેં રાજીનામું જ આપ્યું નથી.
અલ્પેશ ઠાકોરની એફિડેવિટથી ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાના મામલે નવો વળાંક આવ્યો છે. આનો હવે કોંગ્રેસ કેવી રીતે જવાબ આપે છે તે જોવાનું રહે છે.
કોંગ્રેસના વર્તુળો કહી રહ્યા છે કે હવે કોર્ટમાં અલ્પેશ ઠાકોરના ટીવી ઈન્ટરવ્યુ સહિતના પુરાવા આપવામાં આવશે અને કોંગ્રેસ છોડવાની કરેલી જાહેરાતની સાબિતીઓ પણ રજૂ કરવામાં આવશે.