એનકાઉન્ટરથી યુપી ધ્રુજી ઉઠ્યું, 8 દિવસમાં 29 અથડામણ, 24ને ઈજા, 40ની ધરપકડ

ઉત્તરપ્રદેશમાં કાયદા-વ્યવસ્થા અંગે સતત ચાલી રહેલા વિવાદ અંગે યુપી પોલીસે ફરી એક વાર ગુનેગારો સામે ગાળીયો ફીટ કર્યો છે. પોલીસે એનકાઉન્ટર શરૂ કરી દીધા છે. યુપીમાં પાછલા એક અઠવાડિયા દરમિયાન 29 અથડામણ થઈ હતી. જેમાં 40ની ધરપકડ કરવામાં આવી છે. અથડામણ દરમિયાન એક લાખ રૂપિયાનું ઈનામ જેના માથે હતું તેવા ગુનેગારને પણ પોલીસે ઢાળી દીધો છે. આ ઉપરાંત 24 શખ્સોને ઈજા પહોંચી છે. અથડામણ દરમિયાન ચાર પોલીસવાળા પણ ઈજા પામ્યા છે. આંકડા પર નજર નાંખીએ તો યુપી પોલીસે પાછલા 24 ક્લાકમાંજ સાત એનકાઉન્ટર કર્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લઈને અધકારીઓને આડે હાથે લીધા છે. આટલું જ નહીં યોગીએ બેદકરકાર અને ફરજ પ્રત્યે ઉદાસીન અધિકારીઓને રિટાયર કરી દેવાની કસરત પણ શરૂ કરી દીધી છે. સીએમ યોગીની કડકાઈનું પરિણામ એ આવ્યું છે કે 24 ક્લાકમાં યુપી પોલીસે સાત જગ્યાએ માથાભારે શખ્સો વિરુદ્વ અભિયાન શરૂ કરી દીધું છે. આમાં માથાભારે તત્વો અને પોલીસ વચ્ચે ફાયરીંગ થયું, જેમાં એક માથાભારેનું મોત થયું અને 6 હિસ્ટ્રીશીટરની ધરપકડ કરવામાં આવી છે.

મુઝફ્ફર નગર જિલ્લામાં સોમવારે રાત્રે મોડી રાત સુધી ચાલેલા એનકાઉન્ટરમાં પોલીસે એક લાખ રૂપિયાનું ઈનામ જેના માથા પર હતું તેવા માથાભારે તત્વને ઉડાવી દીધો હતો. જ્યારે આ જિલ્લામાં અન્ય ત્રણ અથડામણમાં ત્રણ શખ્સો ઈજા પામ્યા હતા. આ સિવાય ગોરખપુર, કાનપુર, સહારનપુરમાં પણ આવા જ પ્રકારના ઓપરેશન કરવામાં આવ્યા હતા.

માથાભારે મનતો આદેશ બલિયાન યુપી પોલીસ માટે મોસ્ટ વોન્ટેડ હતો. મુઝફ્ફર નગર, બાગપત સહિતના જિલ્લાઓમાં હત્યા, ઘાડ-લૂંટ મળી કુલ 30 કરતાં પણ વધારે ગુનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસને લાંબા સમયથી તેની શોધ હતી. તેના પર એક લાખ રૂપિયાનું ઈનામ હતું. પોલીસ અને એસટીએફની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન કરી તેને મુઝફ્ફરનગરમાં જ ઉડાવી દીધો હતો. તેની પાસેથી 9 મીમી અને 32 બોરની પિસ્તોલ મળી આવી હતી.