રાજીનામા મામલે રાહુલ ગાંધી અફર, નહીં રહે કોંગ્રેસ પ્રમુખ, 51 સાંસદોની અપીલ ફગાવી

યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસના સાંસદોની આજે મીટીંગ મળી હતી. આ મીટીંગમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના 51 સાંસદોએ રાહુલ ગાંધીને રાજીનામું પરત ખેંચવા માટે અપીલ કરી હતી, પણ રાહુલ ગાંધી રાજીનામાના મામલે અડગ રહ્યા છે અને તેમણે કહ્યું કે તે હવે કોંગ્રેસના પ્રમુખપદે ચાલુ રહેવા માંગતા નથી.

લોકસભાની ચૂંટણીમાં મળેલા કારમા પરાજ્ય બાદ રાહુલ ગાંધી પ્રમુખ પદે રહેવા માંગતા નથી અને રાજીનામા મામલે મક્કમ છે. કોંગ્રેસના સાંસદ શશી થરુર અને મનિષ તિવારીએ મીટીંગમાં કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં હારની જવાબદારી એકલા રાહુલ ગાંધીની નથી, તમામની સંયૂક્ત જવાબદારી છે. રાહુલ ગાંધીએ સાંસદોની અપીલને ફગાવી કહ્યું કે હારની નૈતિક જવાબદારી મારી છે અને તેના કારણે જ કોંગ્રેસના પ્રમુખ પદે નહીં રહેવાનો નિર્ણય કર્યો છે. તમામ 51 સાંસદોએ રાહુલ ગાંધીને મનાવવાના પ્રયાસો કર્યા પણ રાહુલ ગાંધી પોતાના નિર્ણયમાં અફર રહ્યા હતા.

કોંગ્રેસના સાંસદોએ કહ્યું કે હાલ કોંગ્રેસ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. સિનિયર કોંગ્રેસી નેતાઓએ અગાઉ રાહુલ ગાંધીના સ્થાને પ્રિયંકા ગાંધીને પ્રમુખ બનાવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને લઈ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગાંધી પરિવાર સિવાયના નામ પર વિચારણા કરવામાં આવે. કોંગ્રેસ કારોબારે રાહુલ ગાંધીના રાજીનામાને ફગાવી દીધું હતું અને કોંગ્રેસને રાહુલ ગાંધીની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં કાયાપલટ કરવાની શરૂઆત કરી છે જેને લઈ સિનિયર કોંગ્રેસી નેતાઓ છંછેડાયા છે અને કોંગ્રેસમાં પોતાના કોલર ઉંચા રાખવા માટે રાહુલ ગાંધીની સામે પ્રિયંકા ગાંધીનું નામ મૂક્તા ગાંધી પરિવારમાં જ ડખો ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સિનિયર કોંગ્રેસીઓના ચક્રવૂયહમાં રાહુલ ગાંધી બરાબરના ટ્રેપ થયા છે અને હવે ગાંધી પરિવાર વિના કોંગ્રેસના સંગઠનને ઉભૂં કરવા માટે નવા નામની વિચારણા કરવામાં આવી રહી છે. અહેમદ પટેલ લોબીએ અશોક ગેહલોતનું નામ ચર્ચામાં મૂક્યું છે.