સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના જોથાણ ગામે આવેલી કેવી માંગુકીયા સ્કૂલમાં ક્રિકેટમાં બોલ વાગવાનો નજીવી બાબતે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગ્રાઉન્ડનો ઝઘડો હોસ્ટેલ રૂમ સુધી પહોંચ્યા બાદ જેનાથી બોલ વાગ્યો હતો તે છોકરાને ઢોર માર મારવામાં આવ્યો છે.
માહિતી મુજબ રવિવારે કેવી માંગુકીયા સ્કૂલમાં સ્પોર્ટ્સ ટાઈમ હોય છે અને આ દિવસે છોકરાઓ રમતો રમે છે. રવિવારે ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમતી વખતે બેટીંગ કરી રહેલા છોકરાને બોલીંગ કરતા છોકરાનો બોલ વાગી ગયો હતો. બોલ વાગતા છોકરાના ચશ્મા તૂટી ગયા હતા અને તેને સામાન્ય ઈજા પહોંચી હતી. બોલ વાગવાના કારણે ઈજાગ્રસ્ત છોકરો હોસ્ટેલના રૂમમાં આરામ કરવા ગયો હતો. ત્યાર બાદ બોલીંગ કરનાર છોકરો પણ ત્યાં હાજર હતો ત્યારે ઈજા પામેલા છોકરાએ બોલીંગ કરનાર છોકરાને આડેધડ મારવા માંડ્યું હતું અને એટલી હદ સુધી માર્યું હતું તે છોકરો અધમૂવો થઈ ગયો હતો. બાકીના છોકરા માર મારવાની ઘટના વખતે તમાશો જોતા રહી ગયા હતા.
જૂઓ વીડિયો…
કેવી માંગુકીયા સ્કૂલના પ્રિન્સીપાલ દિપકભાઈએ ફોન પર જણાવ્યું કે બોલ વાગવાની સામાન્ય બાબતમાં નવમા ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. ઘટનાની બનતા બન્ને વિદ્યાર્થીના વાલીને બોલાવવામાં આવ્યા હતા. વાલીઓએ સીસીટીવી ફૂટેજ માંગ્યા હતા. જે છોકરાએ બીજા છોકરાને માર માર્યો છે તેને એલસી આપી દઈને સ્કૂલમાંથી તગેડી મૂકવામાં આવ્યો છે. સ્કૂલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. શાળામાં આવી ઘટના ફરી ન બને તે માટે તકેદારી અને અગમચેતી રાખવામાં આવી રહી છે.