ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની પીટીશન ફગાવી દઈ ગુજરાતની બન્ને સીટ પર અલગ અલગ ચૂંટણી યોજવાના ચૂંટણી પંચના જાહેરનામાને બહાલી આપી દેતા કોંગ્રેસની મનની મુરાદ મનમાં જ રહી જવા પામી છે. હવે બન્ને સીટ પર ભાજપના ઉમદેવારોનો વિજય આસાન બની રહેવાનો છે.
ચૂંટણી પંચના જાહેરનામાની વિરુદ્વ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ચૂંટણી પંચના જાહેરનામાને પડકારતી અરજી કરી હતી. કોર્ટે આ મામલે સુનાવણી કરવાનો ઈન્કાર કરી ચૂંટણી પંચ સમક્ષ જવાનું જણાવ્યું હતું.
પરેશ ધાનાણીએ પીટીશનમાં પંચના અલગ અલગ ચૂંટણી કરવાના જાહેરનામાને ગેરબંધારણીય ગણાવ્યું હતું અને બંધારણના આર્ટિકલ 14નુ ઉલ્લંઘન થતું હોવાનું કહ્યું હતું.
અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં જીતી ગયા બાદ ગુજરાતમાં રાજ્યસભાની બે સીટની પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે. ભાજપે વિદેશ મંત્રી એસ.જયશંકર અને ઠાકોર સેના એવ વખતના નેતા જુગલ ઠાકોરને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે.